ભારતમાં માર્ગ અકસ્માતોને રોકવામાં નિષ્ફળતા : રિપોર્ટ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી :  માર્ગ અકસ્માતોના મામલામાં ભારતનું ચિત્ર ખૂબ જ ચિંતાજનક રહ્યું છે. તાજેતરમાં જ જારી કરવામાં આવેલા વૈશ્વિક આંકડામાં જણાવવામાં આવ્યું છે કે વિશ્વભરમાં દરેક છઠ્ઠો માર્ગ અકસ્માત ભારતમાં થાય છે. વિશ્વમાં દરેક ૧૦ માર્ગ અકસ્માતોમાં મોતમાં એક ભારતમાં થાય છે. ભારતમાં વૈશ્વિક વાહનોની વસ્તી પૈકી માત્ર એક જ ટકા વાહન હોવા છતાં અકસ્માતો સૌથી વધુ છે. આ આંકડા ચિંતા ઉપજાવે છે. વધતાં જતા માર્ગ અકસ્માતો અને તેમાં થતા મોત અંગે ચિંતા વ્યક્ત કરીને વિશ્વના જુદા જુદા ભાગોમાંથી નિષ્ણાંતો તાજેતરમાં જ એક મિટીંગ માટે ભેગા થયા હતા.

આ તમામ લોકો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજિત વર્લ્ડ સેફ્ટી પરિષદના ભાગરૂપે ન્યૂઝીલેન્ડના પાટનગર  વેલિન્ટનમાં એકત્રિત થયા હતા અને માર્ગ સુરક્ષાના મામલા માટે એક જવાબદાર સંસ્થા બનાવવા ભારત સરકારને અપીલ કરી હતી. ભારતમાં દર કલાકમાં માર્ગો ઉપર ઓછામાં ઓછા ૧૪ લોકોના મોત થાય છે. વધારે ચિંતાજનક બાબત એ છે કે ભારતમાં વાહનોની સંખ્યા  વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ખૂબ ઓછી છે. અથવા તો વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં એક ટકાની આસપાસની છે જેથી માર્ગ અકસ્માતો ખૂબ ઓછા થવા જાઈએ. માર્ગ અકસ્માતોમાં મોત પણ ઓછા થવા જાઈએ.

ડબલ્યુએચઓના ઝીનેવા સ્થિત વૈજ્ઞાનિક ડા. મંજૂલ જાષી પુરિયાએ કહ્યું છે કે સુરક્ષાના મામલામાં વધુ પગલાં લેવાની જરૂર છે. સુરક્ષા તરફ ધ્યાન આપ્યા વગર માર્ગોનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. વાહનોની સંખ્યા પણ તાજેતરના સમયમાં વધી છે. માર્ગ અકસ્માતોને ઘટાડવામાં ભારતને ચોક્કસપણે સફળતા મળી છે પરંતુ હજુ પણ માર્ગ અકસ્માતોના કેસો ભારતમાં ખૂબ વધારે છે. આ દશકમાં ૫૦ ટકા સુધી માર્ગ અકસ્માતોમાં મોતનો આંકડો ઘટ્યો છે. ભારતમાં અકસ્માતોને ઘટાડવા માટે કેટલાક લક્ષ્ય પણ નક્કી કરવામાં આવ્યા છે. બે દશક માટે જીબીડીએસના પ્રાથમિક તારણોમાં જણાવાયું છે કે માર્ગ અકસ્માતો અને તેમાં થતાં મોત વધુ મોટી ચિંતા તરીકે છે. વિશ્વ બેંક પ્રાયોજિત અભ્યાસમાં જણાવાયું છે કે વિકાસશીલ દેશો માર્ગ અકસ્માતોને રોકવા માટે ખૂબ ઓછા પગલાં લઈ રહ્યા છે.

Share This Article