ગત સપ્તાહે સેન્સેક્સ અને નિફ્ટી બન્નેએ બંધ ભાવ મુજબ ઐતિહાસિક નવી ટોચ બનાવી હતી. સેન્સેક્સ ૧.૨ ટકા વધ્યો હતો અને નિફ્ટી ૧.૪ ટકા વધ્યો હતો. સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટમાં બ્લુ સ્ટાર અને ઈન્ડિયામાર્ટ ઈન્ટરમેશના શેર એક્સ-બોનસ થઈ રહ્યો છે. એચયુએલ, ટાટા સ્ટીલ, મેઘમણી ફાઈનકેમ, પોલિકેબ, સિએટ, ક્રાફ્ટ્સમેન ઓટોમેશન, ઓબેરોય રિયલ્ટી જેવા શેર એક્સ-ડિવિડન્ડ થઈ રહ્યા છે. શુક્રવારે બજારમાં તેજી વધુ ભડકી તેનું એક કારણ FTSEએ તેના ઈન્ડેક્સ પોર્ટફોલિયોમાં ફેરફાર કર્યો તે પણ હતું. આ ફેરફારને કારણે ભારતીય ઈક્વિટીમાં ૧૫-૨૦ કરોડ ડોલરનો નેટ ઈનફ્લો જોવાશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, અદાણી એન્ટરપ્રાઈસીસ, વિપ્રો, પંજાબ નેશનલ બેન્ક, બજાજ ફાઈનાન્સ જેવા સ્ટોક્સમાં FTSE ઈન્ડેક્સે વેઈટેજ વધાર્યું છે. આગામી દિવસોમાં આ સ્ટોક્સમાં મોમેન્ટમ જોવા મળી શકે છે. હાલમાં અમેરિકા ખાસ્સું ચર્ચામાં છે.
અમેરિકામાં રિટેલ ફુગાવાનો દર ૪ ટકા રહ્યો જે ૨૦૨૧ પછીથી સૌથી નીચા સ્તર પર હતો. તેને કારણે ફુગાવાના મોરચે ફેડને રાહત થઈ છે. ફેડરલ રિઝર્વે ગત સપ્તાહે વ્યાજના દર યથાવત્ રાખ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહે અમેરિકાની મુલાકાતે જઈ રહ્યા છે. ૨૧થી ૨૪ દરમિયાન તેઓ ત્યાં રહેશે. આ દરમિયાન યોગ દિવસ નિમિત્તે યુએન હેડક્વાર્ટર ખાતે તેઓ યોગ દિવસની ઉજવણી કરશે. તેઓ યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધન પણ કરશે. ત્યાં વસતા ભારતીય સમુદાયને પણ સંબોધશે. એફઆઈઆઈ ભારતીય માર્કેટ અંગે પોઝિટિવ બન્યા છે. તેમણે ગત સપ્તાહે શ્૬૬૪૪ કરોડની નેટ ખરીદી કરી હતી. જોકે તેમાં કેટલાક બલ્ક ડીલને કારણે આ આંકડો મોટો છે. જૂનમાં અત્યાર સુધીમાં તેમણે કુલ શ્૬૮૮૬ કરોડની નેટ ખરીદી કરી છે. ડીઆઈઆઈએ ગત સપ્તાહે શ્૧૩૨૦ કરોડની અને જૂનમાં અત્યાર સુધીમાં શ્૪૩૨૯ કરોડની નેટ ખરીદી કરી છે. આમ, ઈન્સ્ટિટ્યૂશનલ ખરીદીને કારણે માર્કેટ નવી ટોચ બનાવી શક્યું છે. રિટેલ રોકાણકારો સાવચેત બન્યા છે. હા, તેમણે એસઆઈપી રૂટથી રોકાણ ચાલુ રાખ્યું છે. દરમિયાન ગુજરાત-રાજસ્થાનમાં વાવાઝોડું ત્રાટક્યું તેને કારણે કે અલ નિનો જેવા અન્ય કારણથી પણ ચોમાસાની શરૂઆત સાધારણ રહી છે. ૧-૧૪ દરમિયાન વરસાદ લાંબા ગાળાના સરેરાશના ૫૧.૨ ટકા જ પડ્યો છે. આગામી સમયમાં આ પરિબળ બજાર પર હાવિ રહી શકે છે. દરમિયાન ક્રૂડ ઓઈલમાં આગેકૂચ જોવા મળી છે તેમ છતાં રેન્જ બાઉન્ડ છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલ ગત સપ્તાહે અઢી ટકા વધીને બેરલદીઠ ૭૭ ડોલર નજીક પહોંચ્યું હતું. ચીનમાંથી અલગ-અલગ અંદાજ આવી રહ્યા છે જેને કારણે ક્રૂડ સહિતની કોમોડિટીમાં ઊથલ-પાથલ જોવા મળી રહી છે. ચીનમાં માંગ ઘટશે કે વધશે તે અંગે અલગ-અલગ વર્તારા થઈ રહ્યા છે.
કોમોડિટીમાં સાવચેતીપૂર્વક રોકાણ કરવા જેવું છે. રશિયાના ઉર્જા મંત્રીએ બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ‘વાસ્તવિક ભાવ બેરલદીઠ ૮૦ ડોલર રહેવા જોઈએ તેવું નિવેદન કર્યું છે જે આગામી ટ્રેન્ડ માટે સૂચક ગણી શકાય. ટેકનિકલ દૃષ્ટિએ જોતા માર્કેટ ડબલ ટોપ ફોર્મેશન બતાવી રહ્યું છે. તે મુજબ નિફ્ટીમાં ૧૮૮૮૭-૧૮૯૦૦ની રેન્જમાં અવરોધ જોવા મળી શકે છે. ઓપ્શન્સ ડેટા મુજબ નિફ્ટીમાં ૧૮૮૦૦નું લેવલ મહત્વનું છે, જે પાર થશે તો ૧૯૦૦૦નું લેવલ જોવા મળશે. ૧૮૭૦૦નો સપોર્ટ છે જે તૂટશે તો ૧૮૫૦૦નો સપોર્ટ છે. ૧૮૮૦૦ના સ્તર પર મહત્તમ કોલ જોવા મળ્યા છે જ્યારે ૧૯૧૦૦ના સ્તર પર મહત્તમ પુટ જોવાયા છે. એકંદરે તેજીવાળાઓનો હાથ ઉપર રહેશે તેમ જણાય છે. આગામી સપ્તાહે પ્રાઈમરી માર્કેટમાં પણ સારો ધમધમાટ રહેશે. મેઈનબોર્ડમાં એક આઈપીઓ આવી રહ્યો છે, જ્યારે એસએમઈ સેગમેન્ટમાં ત્રણ આઈપીઓ આવી રહ્યા છે. ગુજરાતની આત્મજ હેલ્થકેરનો શ્૩૮.૪૦ કરોડનો આઈપીઓ ૧૯મીએ ખૂલશે. ઈશ્યૂ પ્રાઈસ શેરદીઠ શ્૬૦ છે. એચએમએ એગ્રો ઈન્ડસ્ટ્રીઝનો શ્૪૮૦ કરોડનો મેઈનબોર્ડ આઈપીઓ ૨૦ જૂને ખૂલશે. પ્રાઈસ બેન્ડ શેરદીઠ શ્૫૫૫-૫૮૫ છે. આ ઉપરાંત વીફિન સોલ્યૂશન્સનો આઈપીઓ ૨૨મીએ ખૂલશે. એ જ રીતે એસેન સ્પેશ્યાલિટી ફિલ્મ્સનો IPO ૨૩મીએ ખૂલશે.