શહેરના હાથીજણ પાસે નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે વિવાદમાં ફસાયેલી હીરાપુરમાં આવેલી ડીપીએસ(ઈસ્ટ)ની માન્યતા રદ કરવામાં આવી છે, ત્યારે આ અંગે ઓલ ગુજરાત વાલી મંડળે રાજ્ય સરકારની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. ઓલ ગુજરાત વાલી મંડળે સરકારને પૂછ્યું કે આશ્રમની જગ્યાનો કબજો લીધો છે કે કેમ?. સાથે સાથે સ્કૂલના શિક્ષકો તથા સ્ટાફને નોકરીમાંથી બરતરફ કરવાની અને માન્યતા વિના ૧૦ વર્ષ સુધી ઉઘરાવેલી ફી વાલીઓને પરત કરવાની માંગણી પણ કરાતાં મામલો ગરમાયો છે.
ઓલ ગુજરાત વાલી મંડળની રજૂઆત મુજબ, ડીપીએસ સ્કૂલની માન્યતા રદ કરવા છતાં હજુ સુધી સરકાર કેમ એક્શન લેતી નથી. તે પ્રશ્નાર્થ ચિન્હ છે. સ્કૂલ વાલીઓને સાથે રાખીને ફરીથી સ્કૂલ ચાલુ કરવાના પ્રયાસો કરી રહી છે, ત્યારે શા માટે ડીઈઓ તથા શિક્ષણ મંત્રાલય સ્કૂલના શિક્ષકો તથા સ્ટાફને છુટા કરવા અને નોકરીમાંથી બરતરફ કરવા અને સ્કૂલના વહીવટી ચોપડા સરકાર હસ્તક લેવાની કાર્યવાહી કરતી નથી. વળી, છેલ્લા ૧૦ વર્ષથી માન્યતા વગર જે ફી ઉઘરાવવામાં આવી છે તેનો કરોડોમાં હિસાબ થાય છે. તે વાલીઓને રકમ પાછી આપવાની જવાબદારી સરકારની તથા ટ્રસ્ટીઓની છે.
વિદેશી ભાગ ન જાય તે માટે તમામ ટ્રસ્ટીઓના પાસપોર્ટ જમા કરાવવાની પણ તજવીજ હાથ ધરાવી જોઇએ. હાલ ડીપીએસને સીબીએસઈની માન્યતા મળેલી નથી તેમજ સ્કૂલની જમીન પણ શિક્ષણના હેતુથી લેવાય છે કે કેમ તેને લઈ વિવાદમાં છે. આશ્રમની જગ્યાનો કબજો લીધો છે કે કેમ? વાલી મંડળની માંગ છે કે સરકાર તમામ વિદ્યાર્થીઓને ડીઈઓ મારફતે બીજી સ્કૂલમાં એડમિશન અપાવી દે અને ડીપીએસ સ્કૂલમાં વહીવટી અધિકારીની નિમણૂંક કરે. વાલીમંડળની માંગને લઇ ડીપીએસનો મામલો આજે પણ ગરમાયેલો રહ્યો હતો.