નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આજે આઈસીઆઈસીઆઈ બેંકના પૂર્વ સીઈઓ ચંદા કોચર અને વિડિયોકોનના પ્રમોટર વેણુગોપાલ ધુતના આવાસ અને ઓફિસ ઉપર એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા જેના કારણે કોર્પોરેટ જગતમાં ખળભળાટ મચી ગયો હતો. અધિકારીઓએ કહ્યું હતું કે, બેંક લોન છેતરપિંડી કેસના સંદર્ભમાં આ દરોડા પાડવામાં આવ્યા હતા. આજે વહેલી સવારથી દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
સુત્રોએ કહ્યું છે કે, ઓછામાં ઓછી પાંચ ઓફિસ, નિવાસી સ્થળોમાં મુંબઈ ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા. અન્ય કેટલાક સ્થળો ઉપર પણ દરોડાની કાર્યવાહી ચાલી હતી. ચંદા કોચર, તેમના પતિ દિપક કોચર, વિડિયોકોનના પ્રમોટર વેણુગોપાલ ધુત અને અન્યો સામે ગેરરીતિ અને ભ્રષ્ટાચારના મામલામાં આ મહિનાની શરૂઆતમાં જ પ્રવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કોર્પોરેટ ગ્રુપને આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા ૧૮૭૫ કરોડ રૂપિયાની લોનની મંજુરીમાં ભ્રષ્ટ પ્રક્રિયા અને ગેરરીતિના મામલામાં તપાસ ચાલી રહી છે. મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવી ચુક્યો છે. પોલીસની મદદ સાથે ઇડીના અધિકારીઓની ટીમે આ કેસમાં વધુ પુરાવા એકત્રિત કરવાની શરૂઆત કરી દીધી છે.
આજે સવારે આ દરોડા પાડવામાં આવ્યા હતા. સીબીઆઈની ફરિયાદની નોંધ લીધા બાદ ઇડીનો પીએમએલએ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સીબીઆઈએ ચંદા કોચર, દિપક કોચર, વેણુગોપાલ ધુત, તેમની કંપની વિડિયોકોન અને વિડિયોકન ઇન્ડસ્ટ્રી લિમિટેડના નામ આમા આપ્યા હતા. સીબીઆઈ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. એવો આક્ષેપ કરાયો છે કે, ધુતે દિપક કોચરની કંપનીમાં તેમની કંપની સુપ્રીમ એનર્જી મારફતે રોકાણ કર્યું હતું.