શ્રીનગર: જમ્મુ કાશ્મીરના બારામુલા જિલ્લામાં ૮મી ઓગસ્ટના દિવસે થયેલા એન્કાઉન્ટર બાદ આ સ્થળથી હથિયારોનો જંગી જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સુરક્ષા દળોની સાથે અહીંના રાફિયાબાદ વિસ્તારમાં બુધવારે ભીષણ અથડામણ થઇ હતી. આ ગાળા દરમિયાન પાંચ ત્રાસવાદીઓ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.
આ કાર્યવાહી બાદથી અહીં મોટાપાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ઘટનાસ્થળે સુરક્ષા દળોને મોટાપાયે રાયફલો અને જીવતા કારતુસો પણ મળી આવ્યા છે. આજે મિડિયાની સામે મળી આવેલા હથિયારોનો જથ્થો રજૂ કરવામાં આવ્યો હતો. બારામુલા જિલ્લાના વન્ય ક્ષેત્રમાં સુરક્ષા દળો સાથે થયેલી અથડામણમાં માર્યા ગયેલા ત્રાસવાદીઓની સંખ્યા પાંચ થઇ હતી.
પોલીસે કહ્યું છે કે, રાફિયાબાદમાં દુનિવારીમાં આ અથડામણ થઇ હતી. ગુરુવારે સવારે પાંચ ત્રાસવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા. આ હથિયારોથી જાણવા મળે છે કે, પાકિસ્તાન દ્વારા તમામ સહાયતા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ પહેલા સ્વતંત્રતા દિવસના પ્રસંગે કાશ્મીરમાં આતંક મચાવવાની ઘાતક યોજનાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો જેના ભાગરુપે ઘુસણખોરી કરી રહેલા બે ત્રાસવાદીઓને ઠાર કરાયા હતા. બાંદીપોરા જિલ્લાના ગુરેજ સેક્ટરમાં આ ઓપરેશન હાથ ધરાયું હતું જેમાં એક મેજર સહિત સેનાના ચાર જવાન શહીદ થયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા ગુરુવારે જમ્મુકાશ્મીરના શોપિયનમાં ભારતીય સેનાને મોટી સફળતા હાથ લાગી હતી. સેનાએ એક મોટી કાર્યવાહીને અંજામ આપીને પાંચ કુખ્યાત ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ઠાર કરી દેવામાં આવેલા ત્રાસવાદીઓની પાસેથી મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ગયા શુક્રવારે સેનાને માહિતી મળી હતી કે કિલોરામાં મોટી સંખ્યામાં ત્રાસવાદીઓ છુપાયા છે. બાતમી મળ્યા બાદ તરત જ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઘટનાસ્થળે સેનાના જવાનો પહોંચ્યા બાદ ત્રાસવાદીઓએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જવાબી કાર્યવાહી કરવામાં આવ્યા બાદ થોડાક સમય સુધી સામ સામે ગોળીબારની રમઝટ જામી હતી. ત્યારબાદ તમામ ત્રાસવાદી ઠાર થયા હતા. ભારતીય સેનાની આને મોટી સફળતા તરીકે ગણવામાં આવે છે. ગઇકાલે સેનાએ ત્રાસવાદી કમાન્ડરને ઠાર મારી દીધો હતો.