અમદાવાદ: સીબીએસઈ બોર્ડની શાળાઓમાં અભ્યાસ કરતાં ભૂલકાંઓને હવે સ્કૂલ બેગ અને હોમવર્કના બોજામાંથી મુકિત આપતો ખૂબ જ રાહતભર્યો નિર્ણય સીબીએસઇ બોર્ડે જાહેર કર્યો છે. સીબીએસઈ બોર્ડ સંલગ્ન શાળાઓમાં બોર્ડે ધોરણ-૨ સુધીના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને હોમવર્કમાંથી મુક્તિ આપવાનો આદેશ કર્યો છે. જેને પગલે હવે સીબીએસઇની તમામ શાળાઓમાં ધોરણ-૨ સુધીના બાળકોને સ્કૂલ બેગ અને હોમવર્કમાંથી મુકિત મળશે.
સીબીએસઈ અને ગુજરાત બોર્ડની શાળાઓમાં ભણતા લાખો વિદ્યાર્થીઓને સ્કૂલ બેગનો બોજો અને વધુ પડતું હોમવર્ક કરાવાતું હોવાની ફરિયાદો ઉઠતી હતી. તાજેતરમાં મદ્રાસ હાઇકોર્ટે ચુકાદો જાહેર કર્યા બાદ બોર્ડે કડકાઈભર્યું વલણ અપનાવ્યું છે. એટલું જ નહીં આ ઉપરાંત શાળાઓમાં ધોરણ આઠ સુધીમાં અન્ય કોઈ સ્ટેશનરી, પાઠ્યપુસ્તકોનો ઉપયોગ કરવાના બદલે વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસ માટે એનસીઇઆરટીનો અભ્યાસક્રમ લાગુ કરવાનો આદેશ કરાતા સીબીએસઈ શાળાઓમાં ધોરણ-૮ સુધીના વિદ્યાર્થીઓ માટે આગામી શૈક્ષણિક વર્ષથી સીબીએસઈનો કોર્સ અમલી થશે. તાજેતરમાં મદ્રાસ હાઇકોર્ટે ચુકાદો જાહેર કર્યા બાદ બોર્ડે કડકાઈભર્યું વલણ અપનાવ્યું છે.
અમદાવાદ શહેરમાં ૫૦થી વધુ સીબીએસઈ શાળાઓ છે. જો કે, કેન્દ્રીય વિદ્યાલયોમાં તો પહેલેથી ધોરણ-૨ સુધીનાં બાળકોને હોમવર્ક અને ભારે સ્કૂલ બેગમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ અંગે ખાનગી શાળા સંચાલક મંડલના પ્રમુખ દીપક રાજ્યગુરુએ જણાવ્યું હતું કે સીબીએસઈ બોર્ડનું આ પગલું આવકારદાયક છે, નાની ઉંમરનાં બાળકોને સ્કૂલ બેગમાંથી મુક્તિ આપવી જ જોઈએ, પરંતુ હોમવર્ક ન આપવું એ અયોગ્ય છે. તેનાં બદલે વિષયના મહત્વ પ્રમાણે હોમવર્ક આપવું જોઈએ નોટબુકોનું ભારણ ઘટાડી દેવું જોઈએ શક્ય હોય તો નોટબુક પણ રદ કરી દેવી જોઈએ. વિદ્યાર્થીઓને હોમવર્ક કરાવવા માટે માત્ર વર્કશીટ આપવી જોઈએ. બીજીબાજુ, સીબીએસઇ બોર્ડના આ નિર્ણયને પગલે વિદ્યાર્થીઓ, વાલીઓમાં બહુ મોટી રાહત અને ખુશીની લાગણી ફેલાઇ ગઇ છે.