નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલની કિંમત પર હાલ કોઇપણ પ્રકારની રાહત મળવાના સંકેત દેખાઈ રહ્યા નથી. કેન્દ્ર સરકાર અને કેટલાક અન્ય રાજ્યો તેલ ઉપર ટેક્સને ઘટાડવા માટે બિલકુલ પણ તૈયાર નથી. એક ટોપના અધિકારીએ આ સંદર્ભમાં કોઇ રાહત આપવાનો ઇન્કાર કરી દીધો છે. એક રૂપિયાના કાપથી સરકારને વાર્ષિક ૩૦૦૦૦ કરોડનું નુકસાન થઇ શકે છે. આવી સ્થિતિમાં કેન્દ્ર અને રાજ્યો પોતાની મહેસુલી આવકને ગુમાવવા માંગતા નથી. નામ જાહેર નહીં કરવાની શરતે એક અધિકારીએ કહ્યું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવાનો કોઇ હેતુ નથી. આનાથી જંગી નુકસાન થશે.
અધિકારીઓનું કહેવું છે કે, કેટલાક રાજ્યોમાં વેટમાં ઘટાડો કરવાની ક્ષમતા નથી. પ્રતિલીટર એક રૂપિયા ટેક્સમાં ઘટાડો કરવાથી વાર્ષિક ૩૦૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થઇ શકે છે. એટલું જ નહીં બિહાર, કેરળ, પંજાબ જેવા રાજ્યો પણ સેલ્સ ટેક્સમાં ઘટાડો કરવા માટે ઇચ્છુક નથી. સરકારને આશા છે કે, આવનાર દિવસોમાં આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોમાં સુધારો થશે અને દબાણ કેટલાક અંશે ઘટશે. ડોલરની સરખામણીમાં રૂપિયો ખુબ નીચી સપાટીએ પહોંચી જવાના પરિણામ સ્વરુપે હાલત કફોડી બનેલી છે. વિરોધ પક્ષોએ હાલમાં જ ભારત બંધ આપીને ડ્યુટીમાં ઘટાડો કરવા સરકાર ઉપર દબાણ લાવ્યું હતું પરંતુ સરકારે કોઇપણ ઘટાડો કરવાનો ઇન્કાર કર્યો છે.
મહેસુલી આવક જવાના ભયથી ટેક્સમાં કોઇ ઘટાડો કરવાનો ઇન્કાર કરી દીધો છે. આવી સ્થિતિમાં વધારાનો દોર જારી રહી શકે છે. ગ્રાહકોને પોતાના ઉપયોગમાં આવનાર ઇંધણની ચુકવણી વધુ કિંમત ઉપર કરવી પડશે. બીજી બાજુ રાજસ્થાન સરકારે પેટ્રોલ અને ડીઝલ પર વેટમાં ચાર ટકાનો ઘટાડો કરી દીધો છે. આંધ્રપ્રદેશ સરકારે પણ સેલ્સ ટેક્સમાં બે ટકાનો ઘટાડો કરી દીધો છે જેના પરિણામ સ્વરુપે કિંમતમાં ઘટાડો થશે. પેટ્રોલિયમ પેદાશો ઉપર એક્સાઇઝ ડ્યુટીમાં કોઇપણ ઘટાડો કરવાની સ્થિતિમાં વધુ નુકસાન થઇ શકે છે. કરવેરામાં કાપના લીધે વિકાસના ખર્ચમાં બજેટમાં ઘટાડવાની જરૂર પડશે. આવી સ્થિતિમાં વિકાસની ગતિ ઉપર બ્રેક મુકાશે. ઓઇલ ટેક્સમાં ઘટાડો કરવાથી પાર્ટીને નુકસાન થઇ શકે છે.
સરકાર રાહત આપવાના મુડમાં છે પરંતુ નાણામંત્રાલય દ્વારા હજુ સુધી સાવધાનીપૂર્વકનું વલણ અપનાવવામાં આવી રહ્યું છે. આવકવેરા વિભાગ અને જીએસટીને લઇને તમામ લોકો ગણતરી કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટના મધ્ય ભાગથી પેટ્રોલિયમ પેદાશોની કિંમતોમાં વધારો થઇ રહ્યો છે. કેટલાક લોકો એમ પણ માની રહ્યા છે કે, વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે ચોક્કસપણે થોડાક દિવસ માટે ભાવ વધારાની પ્રક્રિયા રોકવામાં આવશે પરંતુ હાલમાં એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવાના ઇન્કારથી સામાન્ય લોકોને પેટ્રોલિયમ પેદાશોની કિંમતમાં કોઇ રાહત મળશે નહીં.