યુનિસેફના એક રિપોર્ટ મુજબ વિકસિત દેશોની સરખામણીમાં વિકાસશીલ દેશોની મહિલાઓ બાળકોના સ્તનપાન બાબતે વધુ જાગૃત છે. જયારે ઉંચી આવક ધરાવતા દેશોમાં ૨૬ લાખ બાળકો માતાના દૂધથી વંચિત રહે છે જેમાં એક તૃતિયાંશ બાળકો અમેરિકાના છે. વિશ્વમાં દર વર્ષે ૭૬ લાખ બાળકો એવા જન્મે છે જેને કયારેય માતાનું પૂરતું દૂધ મળતું નથી. બાળકોને પુરતું સ્તનપાન મળતું હોય તેવા દેશોમાં ભૂટાન,મેડાગાસ્કર અને પેરુ આગળ છે. જયારે આર્યલેન્ડ, અમેરિકા અને સ્પેન જેવા વિકસિત દેશોના બાળકોને સ્તનપાન પુરતું મળતું ન હોવાથી પાછળ છે.
પ્રાપ્ત માહિતી મુજબ ઓછા વિકસિત ગણાતા પશ્ચીમ અને મધ્ય આફ્રિકા, લેટિન અમેરિકા અને કેરેબિયન દેશોમાં માતા સંતાનને સતત ૨ વર્ષ સુધી ફિડિંગ આપે છે જયારે સમૃધ્ધ દેશોમાં તેનું સરેરાશ પ્રમાણ એક વર્ષથી વધારે નથી. વિશ્વમાં માત્ર પૂરતા સ્તનપાન દ્વારા ૮ લાખ બાળકોનું જીવન બચાવી શકાય છે. જેમાં સૌથી વધારે જોખમ ૬ મહિનાની ઉમરના બાળકોને હોય છે. રિર્પોટમાં જણાવ્યા મુજબ વિકસિત દેશોની માતા કરતા અવિકસિત દેશોની માતા પોતાના સંતાનને દોઢ ગણું વધારે ફિડિંગ આપે છે. સ્તનપાનથી બ્રેસ્ટ અને ઓવરીના કેન્સરની શકયતા પણ ઘટે છે. પ્રસવ પછી રકતત્રાવને પણ ઘટાડે છે. સ્ટડી મુજબ ૨૦ હજાર માતાઓના મુત્યુ બાળકને પૂરતું સ્તનપાન આપીને બચાવી શકાય છે. માતાનું દૂધ સંતાનની રોગ પ્રતિકારકશકિતમાં વધારો કરે છે અને આઇ કયૂ પણ સારો બને છે. કમસે કમ બે વર્ષ સુધી માતાએ બાળકને સ્તનપાન જરુરી છે. આ માટે વિકસિત દેશોમાં વર્કિગ વુમનને કામકાજ દરમિયાન સ્તનપાનનો અધિકાર મળે તે જરુરી છે.