નવીદિલ્હીઃ પહેલા બિહારના મુઝફ્ફરપુર અને ત્યારબાદ ઉત્તરપ્રદેશના દેવરિયામાં શેલ્ટર હોમ રેપ કેસ પર સુનાવણી કરતી વેળા સુપ્રીમ કોર્ટ આજે લાલઘુમ દેખાઇ હતી. આ મામલે સુનાવણી દરમિયાન કઠોર ટિપ્પણી સપાટી પર આવી હતી. સુપ્રીમ કોર્ટે મુઝફ્ફરપુર કેસની ગંભીર નોંધ લેતા બિહાર સરકારને જારદાર ફટકાર લગાવી હતી. આ ગાળા દરમિયાન દેવરિયા શેલ્ટર હોમની યુવતિઓની સાથે થયેલા રેપનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે દેશભરમાં આ શુ થઇ રહ્યુ છે. લેફ્ટ, રાઇટ અને સેન્ટર , તમામ જગ્યાએ રેપના કેસ બની રહ્યા છે. તમામ જગ્યાએ રેપના બનાવો, આ થઇ શુ રહ્યુ છે તેવો પ્રશ્ન સુપ્રીમ કોર્ટે આજે કર્યો હતો.સુપ્રીમ કોર્ટે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના હેવાલને ટાંકીને કહ્યુ છે કે દરેક છ કલાકમાં એક યુવતિ પર રેપની ઘટના બની રહી છે. દેશભરમાં વર્ષમાં ૩૮ હજારથી વધારે રેપની ઘટના બની રહી છે. દેશમાં સૌથી વધારે રેપની ઘટના મધ્યપ્રદેશમાં બની રહી છે. બીજા નંબર પર ઉત્તરપ્રદેશ છે.
સુપ્રીમ કોર્ટે નીતિશકુમાર સરકારને ફટકાર લગાવતા કહ્યું છે કે, રાજ્ય સરકાર ૨૦૦૪થી તમામ શેલ્ટર હોમને પૈસા આપી રહી છે, પરંતુ સરકારને ખબર નથી કે ત્યાં શુ ચાલી રહ્યું છે. શેલ્ટર હોમમાં નિરીક્ષણ કરવાની જરૂરિયાત પણ અનુભવ કરવામાં આવી રહી નથી. એમ લાગે છે કે, આ ગતિવિધિ રાજ્ય પ્રાયોજિત છે. આ વિચારવાનો વિષય છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, મુઝફ્ફરપુરવાળું એનજીઓ એકમાત્ર નથી જ્યાં આ પ્રકારના આરોપ સપાટી ઉપર આવ્યા છે. એનજીઓ દ્વારા પોતાના રિપોર્ટમાં રાજ્ય સરકારના ફંડથી ચાલી રહેલી આવી ૧૫ ,સંસ્થાઓનો ઉલ્લેખ કર્યો છે જે તપાસની જાળમાં છે.
સુપ્રીમ કોર્ટે બિહાર શેલ્ટર હોમ કેસમાં અપર્ણા ભટ્ટને એમીકસ ક્યુરી તરીકે નિમીને તપાસ હાથ ધરી છે. એમિકસે કહ્યું હતું કે, પીડિત યુવતીઓની કાઉન્સિલિંગ કરવામાં આવી રહીછે. સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું હતું કે, આટલી મોટી ઘટનાઓ બની હોવા છતાં અધિકારીઓ દ્વારા મોડેથી તપાસ કરવામાં આવી રહી છે. સ્થિતિ ખુબ જ ગંભીર છે. સુપ્રીમ કોર્ટે મામલામાં તપાસ કરી રહેલા અધિકારીઓ સામે પણ અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બિહારના મુઝ્ફ્ફરપુર શેલ્ટર હોમમાં યુવતિઓ સાથે રેપની ઘટના પર મચી ગયેલા રાજકીય ઘમસાણ વચ્ચે મુખ્યપ્રધાન નીતીશ કુમારે ગઇકાલે સોમવારના દિવસે વિરોધ પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. નીતીશ કુમારે કહ્યુ હતુ કે આ સમગ્ર ઘટના પર માત્ર રાજનીતિ રમવામાં આવી રહી છે.
નીતીશ કુમારે દિલ્હીમાં આરજેડીના નેતૃત્વમાં વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવેલા ધરણા પ્રદર્શન ઉપર પણ પ્રહારો કર્યા હતા. નીતીશ કુમારે કહ્યુ હતુ કે આ મામલામાં જે કઇપણ દોષિત હશે તેમની સામે પગલા લેવામાં આવશે. આ કેસમાં સીબીઆઇ તપાસ કરી રહી છે. બિહારને લઇને રાજકીય ઘણસાણ વચ્ચે ઉત્તરપ્રદેશમાં પણ આવો જ મામલો સપાટી પર આવી ચુક્યો છે.ઉત્તરપ્રદેશના દેવરિયામાં પણ બિહારના મુઝફ્ફરપુર શેલ્ટર હોમ જેવી ઘટના સપાટી ઉપર આવતા હાહાકાર મચી ગયો છે. અહીં શેલ્ટર હોમથી ફરાર યુવતીઓ દ્વારા જે આરોપો શેલ્ટર હોમ સંચાલકો ઉપર મુક્યા છે તેનાથી ખળભળાટ મચી ગયો છે. દેવરિયાના આ શેલ્ટર હોમથી ૨૪ યુવતીઓને મુક્ત કરાવામાં આવી છે અને આશરે ૧૮ યુવતીઓ હજુ પણ ગાયબ છે. શેલ્ટર હોમને વહીવટીતંત્રએ સીલ કરીને ઉંડી તપાસ હાથ ધરી છે.
યુવતીઓએ પોલીસને કહ્યું છે કે, કઈરીતે ગાડીઓથી લોકો શેલ્ટર હોમમાં આવતા હતા અને અહીંથી યુવતીઓને લઇ જતાં હતા. બીજી બાજુ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દેવરિયાના ડીએમને તરત જ દૂર કરીને આ મામલામાં કઠોર કાર્યવાહી માટેના આદેશ જારી કર્યા છે.