દરેક માતા પિતા ધ્યાન દોરવા જેવું… માસૂમ બાળક ૪૫ મિનિટ સુધી લિફ્ટમાં ફસાયો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

દરેક માતા પિતા માટે બાળકની ચિંતા હોવી એ ખુબ જ સ્વાભાવિક છે. ઘણીવાર સુધી જો બાળક આંખ સામેથી દૂર થઈ જાય તો માતા પિતાની ચિંતા વધી જતી હોય છે. એમાં પણ બાળક મુશ્કેલીમાં મૂકાય ત્યારે તો ચિંતા અનેકઘણી વધી જાય છે. નોઈડાથી એક એવો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે જેના વિશે જાણીને તમે પણ હચમચી જશો. નોઈડામાં એક સોસાયટીમાં બાળક ૪૫ મિનિટ સુધી લિફ્ટમાં ફસાયેલો રહ્યો. માતા પિતા બાળકને શોધવા માટે આમતેમ ભટકતા રહ્યા. ખબર પડી કે બાળક લિફ્ટમાં ફસાયું છે તે પછી તેને બચાવવા માટેની જદ્દોજહેમત અને તડપ જોઈને ભલભલાની આંખમાં આંસૂ આવી ગયા.  પેરેમાઉન્ટ ઈમોશન્સ સોસાયટીની લિફ્ટમાં ફસાયેલા બાળકના પરિજનો અને સોસાયટીના બાકીના લોકોનું આ સમગ્ર મામલે એવું કહેવું છે કે બિલ્ડર લોકોની સુરક્ષા સાથે રમી રહ્યો છે.

લિફ્ટમાં ફસાયેલું બાળક એલાર્મ વગાડી રહ્યું હતું, પરંતુ સુરક્ષાકર્મીઓ ફાયર એલાર્મ સમજીને અવગણી રહ્યા હતા. આ ઘટનાનું સીસીટીવી ફૂટેજ જોઈને બધાના રૂવાંટા ઊભા થઈ ગયા. હચમચી ગયા.  બીજી બાજુ બાળકના માતા પિતાનું કહેવું છે કે હવે તેમનો પુત્ર લિફ્ટમાં જતા પણ ડરે છે. આ ખૌફનાક ઘટનાનો ઉલ્લેખ કરતા બાળકે કહ્યું કે તે એવું વિચારી રહ્યો હતો કે તે લિફ્ટમાંથી બહાર નીકળી શકશે કે નહીં. નીકળશે તો કેવી રીતે નીકળી શકશે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે બાળક ગત અઠવાડિયે રાતે ૧૦.૪૩ વાગે લિફ્ટમાં ફસાયો હતો અને ૧૧.૩૨ વાગે તેને બહાર કાઢવામાં આવ્યો.

બાળકની માતા મંજૂ સિંહ એ વાતે પણ નારાજ છે કે સોસાયટીની મેઈન્ટેનન્સ ટીમે તેમને પહેલા સીસીટીવી ફૂટેજ દેખાડ્યું નહતું. બાદમાં પોલીસના હસ્તક્ષેપ પછી આ ફૂટેજ સામે આવ્યું. કુટુંબીજનો હવે બાળકનું કાઉન્સલિંગ કરવાની વાત કરી રહ્યા છે.  પીડિત બાળક છઠ્ઠા ધોરણમાં ભણે છે. તેની માતાએ સોસાયટીના લોકો સાથે બિસરખ પોલીસ મથકમાં બિલ્ડર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસને અપાયેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે બાળકના લિફ્ટમાં ફસાયેલી ઘટના પાછળ મેઈન્ટેનન્સ ટીમની બેદરકારી, લિફ્ટનું મેઈન્ટેનન્સ ન થવું અને અયોગ્ય સુરક્ષાકર્મીઓની ભરતી છે. બિસરખ પોલીસે આ ફરિયાદને ગંભીરતાથી લેતા સોસાયટીની લિફ્ટ, સીસીટીવી ફૂટેજ, એજન્સીનું પ્રમાણપત્ર વગેરેની તપાસ કરી છે.

Share This Article