વર્ષ ૨૦૨૨ બોલીવૂડના ખેલાડી ગણાતા અક્ષય કુમાર માટે સારું રહ્યું નથી. અક્ષયની પછી એક રિલીઝ થયેલી ત્રણ ફિલ્મો ‘બચ્ચન પાંડે’, ‘સમ્રાટ પૃથ્વીરાજ’ અને ‘રક્ષાબંધન’ બોક્સ ઓફિસ પર નિષ્ફ્ળ રહી છે. આ ત્રણેય ફિલ્મો બિગ બજેટ હતી અને અક્ષય કુમારના સ્ટારડમની સામે અક્ષયની આ ફિલ્મો નબળી સાબિત થઈ હતી. કદાચ, આ કારણે જ અક્ષય તેની આગામી ફિલ્મ ‘કટપૂતલી’ને સીધી ઓટીટી પર રિલીઝ કરવાનું નક્કી કર્યું છે અને આ ફિલ્મ ૨ સપ્ટેમ્બરે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે. અક્ષયની આગામી ફિલ્મ ‘રામ સેતુ’ છે અને ૨૪ ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે.
આ ફિલ્મની રિલીઝ પહેલા જ, વિવાદ શરુ થઈ ગયો છે. પૌરાણિક વિષય પર બનેલી અને ધાર્મિક ગ્રંથ ‘રામાયણ’ પર આધારિત આ માયથોલોજીકલ ફિલ્મ ‘રામ સેતુ’ ને લઈને અક્ષય કુમાર અને ફિલ્મની ટીમના અન્ય ૮ લોકોને નોટિસ પાઠવવામાં આવી છે અને આ નોટિસ બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામી દ્વારા આપવામાં આવી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, ફિલ્મ ‘રામ સેતુ’માં તથ્યો સાથે ચેડાં કરવામાં આવ્યા છે. આ ફિલ્મ સત્યથી દૂર છે અને જે હિન્દુ ધર્મની વિરુદ્ધનું કામ છે અને ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડે તેવું કૃત્ય છે. સુબ્રમણ્યમ સ્વામીએ અગાઉ પણ કહ્યું હતું કે, આ વિવાદિત ફિલ્મને કોઈપણ ભોગે ફિલ્મને રિલીઝ થવા દેવામાં નહિ આવે. બોલિવૂડમાં પહેલીવાર નથી કે, કોઈ ફિલ્મનો રિલીઝ પહેલા જ વિરોધ થયો હોય. અનેક ફિલ્મોનો વિરોધ ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવા બદલ અને કોઈ ચોક્કસ સમાજને અનધિકૃત રીતે રજૂ કરવા કે તેમના વિશે સંવાદ બોલવાના સીન્સ પર વિવાદ થઈ ચૂક્યો છે. જેનું સૌથી મોટું ઉદાહરણ ફિલ્મ ‘પદ્માવત’ છે. અક્ષયની અગાઉની ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ તેના ટાઈટલને લઈને વિવાદમાં ફસાઈ હતી. અક્કીની આ ફિલ્મનું ટાઈટલ પહેલા ‘પૃથ્વીરાજ’ રાખવામાં આવ્યું હતું. દેશના મહાન રાજાનું નામ અપમાનજનક રીતે ટાઈટલ તરીકે રાખવા બદલ ફિલ્મનો દેશભરમાં વિરોધ થયો હતો. આખરે, મેકર્સે ઓડિયન્સ ડિમાન્ડ સામે ઝૂકવું પડ્યું હતું અને ફિલ્મને ‘સમ્રાટ પૃથ્વીરાજ’ ટાઈટલ સાથે રિલીઝ કરવામાં આવી હતી.