મુંબઈથી અમદાવાદ વચ્ચે 2022 સુધીમાં દેશની પહેલી બુલેટ ટ્રેન દોડવાની સંભાવના છે. દરેકના મનમાં એવો સવાલ અવશ્ય ઊભો થતો હશે કે આખરે આ બુલેટ ટ્રેનનું ભાડું કેટલું હશે? તાજેતરમાં પહેલી વાર બુલેટ ટ્રેનનાં ભાડાં અંગે સત્તાવાર યાદી બહાર પાડવામાં આવી છે. પ્રસ્તાવિત બુલેટ ટ્રેનમાં મુસાફરી કરવા માટે મુસાફરોએ 250થી 3000 રૂપિયા સુધી ભાડું આપવું પડશે. જોકે તેમ છતાં જે તે જગા સુધી પહોંચવા પર તેના ભાવ નિર્ભર રહેશે.
‘નેશનલ હાઈ સ્પીડ રેલ કૉર્પોરેશન લિમિટેડ’ (એનએચએસઆરસીએલ)ના મેનેજિંગ ડિરેક્ટર અચલ ખેરે કહ્યું છે કે, ભાડાના આ દર વર્તમાન અનુમાનો અને હિસાબ પર આધારિત છે. અચલ ખેરે કહ્યું છે કે, મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું ભાડું 3000 રૂપિયા હશે, જ્યારે બાંદ્રા-કુર્લા કૉમ્પલેક્સ અને થાણે વચ્ચેનું ભાડું 250 રૂપિયા હશે.
એક ‘બિઝનેસ ક્લાસ’ હશે અને તેનું ભાડું 3000 રૂપિયાથી વધુ રહેવાની સંભાવના છે. એક અધિકારીના જણાવ્યા મુજબ, થાણે અને બાંદ્રા-કુર્લા કૉમ્પલેક્સ વચ્ચે હાઈ સ્પીડ ટ્રેનની મુસાફરીમાં 15 મિનિટનો સમય લાગશે અને તેનું ભાડું 250 રૂપિયા હશે. ટેક્સીથી લગભગ દોઢ કલાકનો સમય લાગે છે અને 650 રૂપિયા ટેક્સી ભાડું થાય છે.
મુંબઈથી અમદાવાદ વચ્ચેની પ્રસ્તાવિત બુલેટ ટ્રેનની ટોપ સ્પીડ 320 કિલોમીટર પ્રતિ કલાક હશે. એક ટ્રેનમાં 10 ડબા હશે, જેમાંથી એક ‘બિઝનેસ ક્લાસ’ હશે.