નવી દિલ્હી : કર્મચારી ભવિષ્યનિધી સંગઠન (ઇપીએફઓ)ના લાખો પેન્શનરોને ટુંક સમયમાં જ મોટી રાહત મળી શકે છે. કારણ કે પેન્શનરોની પેન્શનને ૧૦૦૦ રૂપિયાથી વધારીને ૨૦૦૦ રૂપિયા કરવામાં આવી શકે છે. સુત્રોના કહેવા મુજબ સંસદના બજેટ સત્ર બાદ ઇપીએફઓની પ્રથમ ઓગષ્ટના પ્રથમ સપ્તાહમાં મળી શકે છે. આ બેઠકમાં પેન્શનરોના લઘુત્તમ પેન્શનને વધારી દેવા માટેના પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી શકે છે. સહમતિ થઇ ગયા બાદ ઇપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની બેઠક મળનાર છે. જેમાં આ પ્રસ્તાવ લાવવામાં આવનાર છે. ત્યારબાદ કોઇ જાહેરાત કરવામાં આવનાર છે.
શ્રમ મંત્રાલયના સુત્રોના કહેવા મુજબ આ સંબંધમાં સરકાર પહેલાથી જ ઇપીએફઓ સાથે વાતચીત કરી ચુકી છે. જા કે પહેલા ઇપીએફઓ દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે તેની પાસે સરપ્લસ નાણાં નથી. પરંતુ હવે સરકાર નિર્ણય કરી ચુકી છે કે વર્તમાન સમયમાં લઘુતમ પેન્શનને ૨૦૦૦ રૂપિયા કરવામાં આવે તે જરૂરી છે. મંત્રાલયના એક અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે છેલ્લી બેઠક બાદ શ્રમ પ્રધાન સંતોષ ગંગવારે પોતે કહ્યુ હતુ કે સરકાર ઇપીએફઓ પેન્શનરો માટેના પેન્શનને વધારી દેવા માટેની તૈયારીમાં છે. આના માટે બેઠકો પણ ચાલી રહી છે. ટુંક સમયમાં જ અંતિમ નિર્ણય કરવામાં આવનાર છે.