EPFO new Rules: નોકરી સાથે જોડાયેલા લોકો માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) હંમેશાંથી સૌથી સુરક્ષિત અને વિશ્વસનીય બચત વિકલ્પ માનવામાં આવે છે. નિવૃત્તિ સમયે આ ફંડ સૌથી મોટો સહારો બને છે. હવે વર્ષ 2025-26માં EPF ખાતાધારકો માટે એક રાહતના સામાચાર સામે આવ્યાં છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ વિથડ્રૉલ (પૈસા ઉપાડવા) સંબંધિત નિયમોને પહેલાંની સરખામણીમાં વધુ સરળ, સ્પષ્ટ અને સમજાય એવા બનાવી દીધા છે. જેનો હેતું એ છે કે કર્મચારીઓ જરૂર પડ્યે કોઈ ગૂંચવણ વિના પોતાના પૈસા ઉપાડી શકે, સાથે સાથે નિવૃત્તિ માટેની બચત પણ સુરક્ષિત રહે.
પહેલાં શું હતા નિયમો?
અગાઉ EPFમાંથી પૈસા ઉપાડવાના નિયમો ઘણાં જટિલ હતા. વિથડ્રૉલ માટે લગભગ 13 અલગ-અલગ કેટેગરીઝ હતી, જેને સમજવી સામાન્ય કર્મચારીઓ માટે મુશ્કેલ બનતી. ઘણી વખત ખોટો વિકલ્પ પસંદ થવાથી અથવા જરૂરી દસ્તાવેજોની અછતને કારણે ક્લેમ અટકી જતો. હવે EPFOએ આ સમસ્યા દૂર કરીને તમામ વિથડ્રૉલ નિયમોને માત્ર ત્રણ મોટી કેટેગરીઝમાં વહેંચી દીધા છે.
1. જરૂરી જરૂરિયાતો
2. ઘર સંબંધિત જરૂરિયાતો
3. ખાસ પરિસ્થિતિઓ
આથી નિયમો સરળ બન્યા છે અને ઓનલાઇન ક્લેમ પ્રક્રિયા પણ વધુ સરળ થઈ છે.
ક્યારે સંપૂર્ણ રકમ ઉપાડી શકાય?
કેટલાક ખાસ સંજોગોમાં EPFમાંથી સંપૂર્ણ રકમ ઉપાડવાની મંજૂરી મળે છે.
જો કર્મચારી 58 વર્ષની ઉંમર પૂર્ણ કરે અથવા સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS)લે, તો સંપૂર્ણ EPF ઉપાડી શકે છે.
જો કોઈ વ્યક્તિ કાયમી રીતે કામ કરવા અસમર્થ બને અથવા ગંભીર વિકલાંગતા આવે, તો પણ સંપૂર્ણ ઉપાડની છૂટ મળે છે.
બેરોજગારીમાં, નોકરી છૂટ્યા પછી તરત 75% રકમ ઉપાડી શકાય છે અને 12 મહિના પૂર્ણ થયા બાદ બાકી 25% પણ ઉપાડી શકાય છે.
જો કોઈ કર્મચારી વિદેશમાં કાયમી રીતે વસવા જઈ રહ્યો હોય, તો તેને પણ સંપૂર્ણ EPF ઉપાડવાની સુવિધા મળે છે.
આંશિક (Partial) વિથડ્રૉલના નિયમો
EPFOએ આંશિક ઉપાડના નિયમો પણ સ્પષ્ટ કર્યા છે.
5 વર્ષની સેવા પૂર્ણ થયા બાદ ઘર ખરીદવા, ઘર બાંધકામ કરવા અથવા મરામત માટે EPFમાંથી પૈસા ઉપાડી શકાય છે.
10 વર્ષની સેવા બાદ હોમ લોન ચૂકવવા માટે EPF બેલેન્સનું 90% સુધી ઉપાડી શકાય છે.
ઘર મરામત માટે કર્મચારી પોતાની માસિક પગારના 12 ગણા અથવા PFમાં જમા રકમ—જે ઓછું હોય તે—ઉપાડી શકે છે. આ સુવિધાનો બે વખત ઉપયોગ થઈ શકે છે.
કયા કામ માટે કેટલા પૈસા ઉપાડી શકાય?
- મેડિકલ જરૂરિયાતો માટે EPF વિથડ્રૉલ સૌથી વધુ ફેક્સિબલ છે. કર્મચારી પોતે, જીવનસાથી, માતા-પિતા અથવા બાળકોના ઈલાજ માટે કોઈપણ સમયે પૈસા ઉપાડી શકે છે; અહીં ન્યૂનતમ સેવા શરત નથી.
- 7 વર્ષની સેવા બાદ પોતાની, બાળકોની અથવા ભાઈ-બહેનની લગ્ન માટે કુલ EPF કન્ટ્રિબ્યુશનનું 50% સુધી ઉપાડ કરી શકાય છે.
- બાળકોની શિક્ષણ માટે પણ (ધોરણ 10 પછી) 50% સુધી ઉપાડની મંજૂરી છે.
નિવૃત્તિ નજીકના કર્મચારીઓ માટે ખાસ જોગવાઈ
જો કોઈની ઉંમર 54 વર્ષ થઈ ગઈ હોય અથવા નિવૃત્તિમાં માત્ર એક વર્ષ બાકી હોય, તો તે પોતાના EPFનું 90% ઉપાડી શકે છે. ઉપરાંત, પૂર, ભૂકંપ જેવી પ્રાકૃતિક આપત્તિ અથવા બે મહિનાથી વધુ સમય સુધી પગાર ન મળ્યો હોય, તો પણ મર્યાદિત રકમ ઉપાડવાની સુવિધા મળે છે.
EPF વિથડ્રૉલ અને ટેક્સ નિયમો
EPF ઉપાડ સાથે જોડાયેલા ટેક્સ નિયમો સમજવું પણ જરૂરી છે.
જો કર્મચારીએ સતત 5 વર્ષ કે તેથી વધુ સેવા કરી હોય, તો EPFમાંથી ઉપાડેલી સંપૂર્ણ રકમ ટેક્સ-ફ્રી હોય છે.
પરંતુ 5 વર્ષ પહેલાં પૈસા ઉપાડવામાં આવે તો તેના પર TDS કપાઈ શકે છે.
એટલે યોગ્ય માહિતી સાથે આયોજન કરવું ખૂબ જ જરૂરી છે.
