પૂર્ણિમા ભટ્ટ ” તૃષા ” એક એવું નામ છે જે આજકાલ કવિતાઓના દોરમાં કૈક નવું અને અનોખું કરવા પ્રયત્નશીલ છે. તેઓની કવિતાઓમાં પ્રાકૃતિક સૌંદર્ય અને લાગણીઓની લચક ખુબજ સુંદર રીતે રજુ કરવામાં આવે છે.
ખબરપત્રી ટીમ દ્વારા ગયા મહિને તેઓની અમદાવાદ ઉપસ્થિતિને ધ્યાનમાં રાખીને ઇન્ટરવ્યૂ યોજયો હતો જેમાં તેઓએ પોતાના કવિયત્રી તરીકેની સફર વિષે ખુબ સારી માહિતી આપી હતી.
તેઓ અનોખા કવિયત્રી એટલા માટે છે કેમ કે તેઓએ ઉમર ના બીજા પડાવમાં કાવ્ય લેખનની શરૂઆત કરી. અને ફક્ત ત્રણ થી ચાર વર્ષના ટૂંકા સમયગાળામાં તેઓએ કવિ જગતમાં ખુબજ ખ્યાતિ પામ્યા છે.
વાવી લે …
તું ચાસ પાડી, ભર કદમ વરસાદ પડશે, વાવી લે ,
કોરી છે પાટી, લે કલમ વરસાદ પડશે વાવી લે,
ફરમાન છે ધખતી ધરાનું છાંયડાને વાવવા,
હંકાર હળ, નભશે રસમ,વરસાદ પડશે વાવી લે,
સંવાદ ફૂલોનો હશે,સૌ બુંદ પણ ગાશે ગઝલ,
વાતાવરણમાં લઇ નઝમ, વરસાદ પડશે,વાવી લે,
ચોમેર સ્વપ્નોની હશે રંગીનિયા, રંગે ગગન
મેળવ નજર,તારી સનમ, વરસાદ પડશે, વાવી લે,
કરવા ઉજાગર રાત,ને ઝળહળ સિતારા, ચાંદ પણ,
અંધાર ઘેરો લે પ્રથમ, વરસાદ પડશે,વાવી લે,
ત્યાં સ્પર્શની કૂંપળ ફૂટે, ને વેલ ઉગશે ટેરવે,
સંબંધની લઇ લે કલમ, વરસાદ પડશે, વાવી લે,
લઇ હાથ મારો,ભાગ્યનાં તું લેખ બદલી દે હવે,
ને હાક મારી ખા કસમ, વરસાદ પડશે,વાવી લે,
ચૂકશે જો તક મળશે વિરહ, યા સાથ સાતે જન્મનો,
તારો નિભાવી લે ધરમ, વરસાદ પડશે, વાવી લે
~ પૂર્ણિમા ભટ્ટ ‘તૃષા’
અને તેઓએ કોઈપણ ઉમર શીખવા માટે મોટી કે નાની નથી હોતી તેવું સાબિત કરી દીધું છે. આપ તેઓના વિડીયો ખબરપત્રી ના યૂટ્યૂબ ચેનલ ઉપર જોઈ શકો છે.