બર્મિગ્હામઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ આવતીકાલથી શરૂ થઇ રહી છે ત્યારે તમામની નજર વિરાટ કોહલી પર કેન્દ્રિત થઇ ગઇ છે. કોહલી હજુ સુધી ઇંગ્લેન્ડમાં વધારે સફળ રહ્યો નથી.
આ વખતે પણ ઇંગ્લેન્ડના ઝડપી બોલર તેના માટે જ વ્યુહરચના તૈયાર કરી રહ્યા છે. તેના માટે જે નવી વ્યુહરચના તૈયાર કરવામાં આવી છે તેમાં મુખ્ય રીતે જવાબદારી ઇંગ્લેન્ડના ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડ અને જેમ્સ એન્ડરસનને સોંપવામાં આવી છે.
સ્ટુઅર્ટ બ્રોડે કહ્યુ છે કે તે વિરાટ કોહલીને આઉટ કરવા માટે તૈયારી કરી રહ્યો છે. તમામ લોકો જાણે છે કે કોહલી ઇંગ્લેન્ડ સામે ફ્લોપ રહ્યો છે. વર્ષ ૨૦૧૪માં છેલ્લે ભારતે ઇંગ્લેન્ડની સામે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી રમી હતી. મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ભારતીય ટીમે છેલ્લે ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો. જેમાં વિરાટ કોહલી ફ્લોપ રહ્યો હતો. ભારતીય ટીમની ઇંગ્લેન્ડની સામે હાર થઇ હતી. ઇંગ્લેન્ડે ટેસ્ટ શ્રેણી ૩-૧થી જીતી લીધી હતી. પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો રહ્યા હતી. ત્યારબાદ ઇંગ્લેન્ડે ટેસ્ટ શ્રેણી જીતી લીધી હતી.
વર્ષ ૨૦૧૪માં ઇંગ્લેન્ડની ટીમ સામે કોહલી તમામ પાંચ ટેસ્ટ મેચમાં રમ્યો હતો. જો કે તે માત્ર ૧૩૪ રન જ કરી શક્યો હતો. તેની સરેરાશ ૧૩.૪૦ રનની રહી હતી. બે વખત તો કોહલી શુન્ય રનમાં આઉટ થયો હતો. ભારતીય ટીમ હાલમાં ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાન પર છે. બ્રોડનુ કહેવુ છે કે તે સંપૂર્ણ ફિટનેસ મેળવી લીધા બાદ હવે ભારતીય ટીમ સામે જારદાર દેખાવ કરવા માટે તૈયાર છે. ભારતીય ટીમના સ્ટાર ખેલાડી પર દબાણ લાવવા માટેની તૈયારી બ્રોડ અને એન્ડરસન દ્વારા કરવામાં આવી છે. શ્રેણી રોમાંચક બને તેની પુરી સંભાવના દેખાઇ રહી છે.