અમદાવાદ : ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન-એઆઇસીટીઇએ તાજેતરમાં જ નવી પરીક્ષા અંતર્ગત ઓપન ટેકસ્ટ બુક એક્ઝામની મંજૂરી આપી દેતાં હવે એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓ પરીક્ષાના સમયે તેમની સાથે ટેક્સ્ટ બુક પણ રાખી શકશે, જોકે આ એક્ઝામ પેટર્ન બદલાઈ જશે, જેમાં હવે પરીક્ષામાં મલ્ટી ડિસિપ્લિનરી સવાલો પૂછવામાં આવશે, જેના જવાબો ટેકસ્ટ બુક કે નોટ્સમાંથી કોપી કરીને નહીં આપી શકાય અને વિદ્યાર્થીએ પોતાની સમજ અને વ્યવહારિક જ્ઞાનની મદદથી જવાબ આપવાના રહેશે.
અગાઉ અશોક એસ. સરોટાર કમિટી દ્વારા આ ભલામણ કરાઇ હતી કે ઓપન બુક સિસ્ટમથી સ્ટુડન્ટ્સની એપ્લિકેશન, એનાલિસિસ અને ઇવોલ્યુશનની સ્કિલ્સ પર કામ કરવામાં આવશે, જેના કારણે સ્ટુડન્ટ્સ પર આખા ચેપ્ટરને ગોખી લેવાનું દબાણ રહેશે નહીં. હવે જુદી જુદી ત્રણ કેટેગરીમાં બી.ટેક, એમ. ટેક, એમબીએ પ્રોગ્રામના સ્ટુડન્ટ્સે ૩૬ ટકા સવાલોના જવાબ સબ્જેક્ટની સમજ પ્રમાણે આપવાના રહેશે. ૪૬ ટકા સવાલો પ્રેક્ટિકલ નોલેજ પર આધારિત રહેશે તેમજ ૧૮ ટકા સવાલના જવાબ એવા હશે, જે એનાલિટિકલ હશે. એક્સ્પર્ટનું માનવું છે કે એક્ઝામમાં એક્યુરેટ જવાબો આપવાનું ઘણું અઘરું થઇ જશે, જેથી જવાબ આપવા કરતાં કોન્સેપ્ટ સમજવો વધારે મહત્વનું થઇ જશે.
હવે કોન્સેપ્ટ સમજવા માટે વધારે મહેનત કરવી પડશે. એક્ઝામ હોલમાં પુસ્તક લઇ જવાની પરવાનગી આપી છે એટલે સવાલો કોમ્પ્લેક્સ જ રહેશે. જોકે સ્ટુડન્ટ્સે સિલેબસની લાઇન ટુ લાઇન ગોખણપટ્ટીની જરૂર રહેશે નહીં. એવા વિષય પર વધારે ફોકસ કરવાનું રહેશે, જેમાં વિદ્યાર્થી થોડો નબળો હશે. આ પહેલાં સીબીએસઈ ર૦૧૪માં આ પ્રકારની પરીક્ષા પેટર્ન શરૂ કરી હતી, જેમાં ધોરણ-૯ અને ૧૧માં વિદ્યાર્થીઓને પરીક્ષાખંડમાં પાઠ્યપુસ્તકો સાથે લઈ જવાની છૂટ આપવામાં આવી હતી, જેનો દેશભરમાં વિરોધ થયો હતો. જા કે, હવે એન્જિનીયરીંગમાં આ પ્રયોગ કેટલો સફળ થાય છે તે જાવું રહ્યું.