અમદાવાદ : ભારત સરકારની મેક ઇન ઇન્ડિયા, ઇન્ડિયા ફર્સ્ટ, ડિજિટલ ઇન્ડિયા અને બ્રાન્ડ ઇન્ડિયા પહેલમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા તથા દેશની ઇન્ડસ્ટ્રીને વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ વિશાળ તકો હાંસલ કરવામાં તથા તેમની ક્ષમતાઓ વિસ્તારવામાં મદદરૂપ બનવાના ઉદ્દેશ્ય સાથે આગામી ૫, ૬ અને ૭ જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ શહેરના એઇએસ ગ્રાઉન્ડ ખાતે ત્રણ દિવસીય એન્જી એક્સપોની ચોથી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશ-વિદેશના ૩૨૫થી વધુ પ્રદર્શકો-સહભાગીઓ ભાગ લેશે. એન્જિનીયરીંગ સેગમેન્ટ સાથે જોડાયેલા તમામ એકમોમાં નવા સંશોધનો, પ્રોડક્ટ અને વ્યાપાર વિસ્તરણ સહિતની અનેક તકો આ એકસ્પોમાં ઉદ્યોગ સાહસિકો, નાના વેપારીઓ અને ઉત્પાદકો-ટ્રેડર્સને ઉપલબ્ધ થશે એમ અત્રે એન્જિ.એકસ્પોના સીઇઓ અંબાલાલ ભંડારકર અને પાર્ટનર મહેન્દ્ર પરિહારે જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એન્જિનીયરીંગ એકસ્પોના પ્લેટફોર્મ થકી અમે પ્રદર્શકો અને સહભાગીઓ માટે બ્રાન્ડ વેલ્યુ તૈયાર કરવામાં, પ્રોડક્ટ માર્કેટને સપોર્ટ કરવામાં તથા ઉદ્યોગોની સ્પર્ધાત્મકતામાં વધારો કરવામાં વિશ્વાસ ધરાવીએ છીએ. આ એક્ઝિબિશનમાં દેશભરની કંપનીઓ ભાગ લેશે તથા તે વિવિધ એમએસએમઇને તેમની ક્ષમતાઓ પ્રદર્શિત કરવામાં તથા નવીન તકો હાંસલ કરવા માટે મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડે છે.
આ ઉપરાંત સૌપ્રથમવાર પ્રદર્શકોની પ્રોડક્ટ્સનું રેકોર્ડિગ કરીને તેને વિવિધ ઓનલાઇન પ્લેટફોર્મ ઉપર રજૂ કરવામાં આવશે, જેથી તેઓ પ્રોડક્ટ્સની પહોંચને વિશાળ સમુદાય સુધી પહોંચાડવા માટે સક્ષમ બનશે. એન્જી એક્સપોની ચોથી આવૃત્તિમાં મુખ્યત્વે પ્લાસ્ટિક, રબર, વેલ્ડીંગ, કટીંગ, પ્રિન્ટિંગ, વેઇંગ, પેકેજીંગ, ઇલેક્ટ્રિકલ, પાવર ટુલ, ઓટોમેશન, ઇલેક્ટ્રોનિક્સ, મશીન ટુલ્સ, વુડ વ‹કગ, કન્સ્ટ્રક્શન, સોલર ઇક્વિપમેન્ટ્સ, મટિરિયલ હેન્ડલિંગ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી સહિતના અત્યંત મહત્વપૂર્ણ ઉદ્યોગોને આવરી લેવાયા છે, જેમાં તેઓ પોતાની પ્રોડક્ટ્સ અને ઇનોવેશનને રજૂ કરશે તથા કારોબાર વિસ્તરણ માટેની સંભાવનાઓ તપાસશે.
એક્સપોમાં ૩૨૫ થી વધુ પ્રદર્શકો-સહભાગીઓ ભાગ લેશે. ઉદ્યોગો તરફથી એન્જી એક્સપોની અગાઉની ત્રણ આવૃત્તિને પ્રાપ્ત થયેલા સકારાત્મક પ્રતિસાદ તથા સફળતા બાદ આ વખતે ત્રણ દિવસીય એક્સપો વધુ વિશાળ રહેશે. તો, એન્જિનીયરીંગ ક્ષેત્રની નવી શોધ-સંશોધન, ટેકનોલોજી અને નવા ફેરફારો જવા માટે મોટી સંખ્યામાં લોકો તેની મુલાકાત લે તેવી શકયતા છે. ઉલ્લેખનીય છે કે એન્જી એક્સપો એક્ઝિબિશન અને ટ્રેડ-ફેર ક્ષેત્રે પ્રતિષ્ઠિત બ્રાન્ડ તરીકે ઉભરી આવ્યું છે અને પરિણામે એન્જીનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝ માટેની સમગ્ર વેલ્યુ ચેઇનમાં તે રાષ્ટ્રીય સ્તરે સ્વિકૃતિ પ્રાપ્ત કરી રહ્યું છે. ભારતની કંપનીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તરણ કરે તથા તેમના ઇનોવેશન, પ્રોડક્ટ્સને પ્રદર્શિત કરવા મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડીને તેમની વૃદ્ધિને બળ આપવાના હેતુસર એન્જીએક્સપોનું આયોજન કરાઇ રહ્યું છે. આનાથી કંપનીના માર્કેટિંગ અને એડવર્ટાઇઝમેન્ટની સાથે-સાથે તેમની સ્પર્ધાત્મકતાને બળ મળશે અને તેઓ એક છત નીચે નવા ક્લાયન્ટ્સને પણ મેળવીને વૃદ્ધિને આગળ ધપાવી શકશે. એન્જી એક્સપો અસરકારક માર્કેટિંગ અને એડવર્ટાઇઝમેન્ટ માટે એક્ઝિબિટર્સને જરૂરી રિસર્ચ વર્ક પણ ઓફર કરે છે.