સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખાસ ‘તસ્કરી’ પતંગ ઉડાવી ઉજવણીમાં જોડાઈ કાસ્ટ
અમદાવાદ : નેટફ્લિક્સની આવનારી કસ્ટમ્સ એન્ટરટેનર સિરીઝ તસ્કરી: ધ સ્મગ્લર્સ વેબએ અમદાવાદના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026 દરમિયાન શહેરમાં ઉત્સાહ અને રંગીન માહોલ સર્જ્યો હતો. ઉત્તરાયણના તહેવાર નિમિત્તે સિરીઝની કાસ્ટ ગુજરાતની આ પ્રતિષ્ઠિત સાંસ્કૃતિક ઉજવણીમાં જોડાઈ હતી.
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત આ ખાસ ઉજવણી દરમિયાન બોલીવુડના જાણીતા અભિનેતા ઈમરાન હાશ્મી, સાથે સાથે ઝોયા અફ્રોઝ, અમૃતા ખાનવિલકર અને નંદીશ સિંહ સંધુ હાજર રહ્યા હતા. તેમણે ઉત્તરાયણની પરંપરા અનુસાર ખાસ ‘તસ્કરી’ થીમ ધરાવતી પતંગ ઉડાવી અને ઉત્સવની ખુશીમાં ભાગ લીધો હતો.
રંગબેરંગી પતંગોથી છલકાતા આકાશ, ‘કાઈ પો ચે’ના નાદ અને અમદાવાદની જીવંત ઊર્જા વચ્ચે ‘તસ્કરી’ની ટીમે ચાહકો અને મહોત્સવમાં ઉપસ્થિત લોકો સાથે આત્મીય મુલાકાત કરી હતી. કાસ્ટે શહેરના ઉત્સાહી માહોલને માણતા યાદગાર પળો વિતાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, જ્યાં ઉત્તરાયણ આનંદ અને રંગોનું પ્રતીક છે, ત્યાં ‘તસ્કરી: ધ સ્મગ્લર્સ વેબ’ ભારતના આકાશમાર્ગની એક જુદી અને ગંભીર વાસ્તવિકતા રજૂ કરે છે — જેમાં કસ્ટમ્સ અધિકારીઓ દેશને સ્મગ્લિંગથી સુરક્ષિત રાખવા સતત સતર્ક રહે છે.
આ કસ્ટમ્સ એન્ટરટેનર સિરીઝ 14 જાન્યુઆરી, 2026થી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે અને દર્શકોને રોમાંચક અનુભવ આપવાની તૈયારીમાં છે.
