પુલવામા હુમલા બાદ તરત યોજાયેલ ઇમરજન્સી બેઠક

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

શ્રીનગર, નવીદિલ્હી : જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સીઆરપીએફના કાફલા ઉપર ભીષણ હુમલો કરવામાં આવ્યા બાદ બેઠકોનો દોર શરૂ થયો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે એકબાજુ તાકિદે ઇમરજન્સીની બેઠક બોલાવી હતી. સાથે સાથે જમ્મુ કાશ્મીરના તમામ સુરક્ષા અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. રાજનાથસિંહ આવતીકાલે પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે જમ્મુ કાશ્મીર પણ પહોંચનાર છે. બીજી બાજુ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને ગૃહ સચિવોએ બેઠક યોજી હતી. બેઠકોના દોર વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલે પણ બેઠકોનો દોર હાથ ધર્યો છે જેમાં સીઆરપીએફ કાફલા પર કરાયેલા હુમલા બાદની રણનીતિ ઉપર ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી છે.

આજે યોજાયેલી આ બેઠકમાં ગૃહ સચિવ અને ગૃહમંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં ઉભી થયેલી સ્થિતિ ઉપર ગંભીરતાપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.  પુલવામા હુમલા બાદ ઉચ્ચ સ્તરીય બેઠકમાં તમામ ટોચના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં જુદા જુદા વિષય ઉપર ચર્ચા થઇ હતી. બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવાલ, આઈબી પ્રમુખ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે ભાવિ  યોજનાની રુપરેખા પણ તૈયાર કરવામાં આવી હતી.

આજે પુલવામામાં હુમલો કરવામાં આવ્યા બાદ દેશભરમાં એલર્ટની જાહેરાત કરવામાં આવી હતી. સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. તમામ શકમંદ વાહનો ઉપર નજર રાખવામાં આવી રહી છે. મોટા બજારો, ધાર્મિક સ્થળો ઉપર સુરક્ષા વધારવામાં આવી છે. ગુજરાત સહિત દેશભરમાં એલર્ટની જાહેરાત કરાઈ છે.

Share This Article