૨૭ વર્ષીય મુસાફરને સુગર લેવલ ઓછું થવાથી હાર્ટ એટેક આવ્યો હતો
અમદાવાદ : ૫ ડિસેમ્બરે રાત્રે લગભગ ૯.૩૦ વાગ્યે સ્પાઈસ જેટ એરલાઈન્સની ફ્લાઈટનું પાકિસ્તાનમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. એરલાઈન્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમદાવાદથી દુબઈ જતી ફ્લાઈટને ઈમરજન્સીના કારણે પાકિસ્તાનના કરાચીમાં લેન્ડ કરવામાં આવી હતી. સ્પાઈસજેટે આ વિશે જણાવ્યું કે, પ્લેન બોઈંગ ૭૩૭ અમદાવાદથી દુબઈ જઈ રહ્યું હતું. તે દરમિયાન ૨૭ વર્ષીય મુસાફર ધકાલ દર્મેશને સુગર લેવલ ઓછું થવાને કારણે હાર્ટ એટેક આવ્યો હતો. આ પછી પ્લેનને પાકિસ્તાનના કરાચી તરફ વાળવામાં આવ્યું હતું. અહીં મેડિકલ ટીમે પેસેન્જરને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડી હતી. સારવાર બાદ મુસાફર સ્વસ્થ થઈ ગયો અને વિમાન ફરી દુબઈ જવા રવાના થઈ ગયું હતું.
 


 
                                 
                              
		 
		 
		 
		 
		 
		 
		