ગુરુવારે સુપ્રીમ કોર્ટે મીડિયાને કડક શબ્દોમાં ફટકાર લગાવી છે. આજના ઓનલાઇન અને ઇલેક્ટ્રોનિક મીડિયા પર કોમેન્ટ કરતાં ચિફ જસ્ટિસ દિપક મિશ્રાએ કહ્યું કે, “મીડિયાનું મોઢું બંધ ના કરાવી શકાય, પણ ખાસ કરીને ઇલેક્ટ્રોનિક મીડિયા વધારે જવાબદારી વાળું હોવું જોઇએ. મારે કોઇપણ ઇલેક્ટ્રોનિક મીડિયાનું નામ નથી લેવું. તેમના કેટલાંય લખાણ બદનક્ષીભર્યાં અને કોર્ટનો તિરસ્કાર કરતાં હોય છે.”
ચિફ જસ્ટિસ દિપક મિશ્રા વાળી ત્રણ જજની બેન્ચે કહ્યું કે ખાસ કરીને ઈલેક્ટ્રોનિક મીડિયાવાળા જે-તે વ્યક્તિ વિશે પોતે જેવું વિચારે છે તેવું ના લખી શકે. ખંડપીઠના ચિફ જસ્ટિસ દિપક મિશ્રા, જસ્ટિસ એ.એમ. ખનવિલકર અને ડીવાય ચંદ્રચુડની બેન્ચે કહ્યું કે, “અમુક પત્રકારો એવું વિચારે છે કે જાણે તેઓ ગાદી પર બેઠેલા પોપ હોય અને તેઓ ગમે તેમ લખી શકે. આ જર્નલિસ્ટિક ઇન્ડિપેન્ડન્સ કે કલ્ચર નથી. તેઓ વિચારે છે કે તેઓ ગમે તેમ કરીને છૂટી શકે છે.”