અમદાવાદ : લોકસભા ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપનુ બુલડોઝર અને મોદીની સુનામી ફરી વળ્યા અને કોંગ્રેસ સહિતના લગભગ તમામ રાજકીય પક્ષોનો સફાયો થઇ ગયો. લોકસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને મળેલા મત, તેમણે મેળવેલી લીડ અને માર્જિન-ટકાવારી બધાની નોંધ લેવાઇ પરંતુ સૌથી વધુ નોંધનીય બાબત નોટાના મતની પણ રહી હતી. ગુજરાત રાજયની વાત કરીએ તો, ગુજરાતમાં પણ ચૂંટણીની પરિણામોમાં નોટાનો પણ તેનો અલગ જ દબદબો જોવા મળ્યો હતો. રાજયની ૨૬ લોકસભા બેઠકોમાંથી ૧૭ બેઠકો પર નોટામાં દસ હજારથી વધુ મત પડયા હતા અને ચાર બેઠકોમાં ૨૦ હજારથી વધુ મતો પડયા હતા. મતદારોએ નોટા એટલે કે, કોઇને વોટ નહી એ વિકલ્પ પસંદ કરી પોતાનો મતાધિકારનો અલગ રીતે ઉપયોગ કર્યાે હતો. લોકસભાની ચૂંટણીમાં દેશની માફક ગુજરાતે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પોતાનો અતૂટ વિશ્વાસ પુનઃ પ્રસ્થાપિત કર્યો છે.
એટલું જ નહીં, ૨૦૧૪ની ચૂંટણીઓમાં નરેન્દ્ર મોદી પાસેની અપેક્ષાએ ગુજરાતના મતદારોએ જે રીતે તમામ ૨૬ બેઠકો ભાજપને સુપ્રત કરી હતી. તે જ પ્રકારે આ વખતે ૨૦૧૯માં પણ તમામ ૨૬ બેઠકો ભાજપને આપી છે. જો કે, આ ચૂંટણીમાં અમુક નાગિરકોમાં તેમના વિસ્તારના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પરત્વે ઉગ્ર રોષની લાગણી જોવા મળી હતી અને તેને લઇને જ આવા મતદારોએ કોઇપણ રાજકીય પક્ષના ઉમેદવારોને મત આપવાના બદલે નોટાનો વિકલ્પ પસંદ કરી નોટામાં મત આપ્યો હતો. જેના કારણે આ વખતની ચૂંટણીના પરિણામમાં નોટાનો દબદબો જોવા મળ્યો હતો. વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભલે ભાજપે જીતના નવા ઇતિહાસ અને રેકોર્ડ રચ્યા હોય પરંતુ લોકસભાની ચૂંટણીના પરિણામમાં નોટાનો ભારે દબદબો રહ્યો તે વાત પણ એટલી જ ખરી . ગુજરાતની ૨૬ બેઠકોમાંથી ૧૭ બેઠકો પર નોટામાં ૧૦ હજારથી વધારે મત નોટામાં પડ્યા હતા.
તો ચાર બેઠક પર નોટામાં ૨૦ હજારથી વધુ મત નોંધાયા હતા. જેમાં છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને બારડોલીમાં સૌથી વધુ ૨૦ હજારથી વધુ મતો નોટામાં પડ્યા હતા. તેની સાથે રાજ્યની ૨૬ બેઠકો પર નોટામાં કુલ ૩,૬૩,૧૭૪ મત પડ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, છોટા ઉદેપુરમાં ૩૨૮૧૬, દાહોદમાં ૩૧૮૭૩, પંચમહાલમા ૨૦૦૬૬, બારડોલીમાં ૨૨૮૨૩ મત નોટામા પડ્યા હતા. જેથી સ્પષ્ટ છે કે, ગુજરાતમાં આટલા લોકોને ભાજપ અને કોંગ્રેસ એમ બન્ને પાર્ટીઓમાંથી કોઇના પર ભરોસો નથી અને તેથી તેઓએ નોટાનો વિકલ્પ પસંદ કરી નોટામાં મત આપ્યો.