નવી દિલ્હી : લોકસભા ચૂંટણીમાં ફરી એકવાર કારમી હારનો સામનો કર્યા બાદ કોંગ્રેસ પાર્ટીમાં ભારે ઉથલપાથલ મચી ગઈ છે. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીના ખરાબ પ્રદર્શનની જવાબદારીને લઈને પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બરે રાજીનામુ આપી દીધું છે. રાજ બબ્બરે પોતાનું રાજીનામુ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને મોકલી દીધુ છે. અમેઠીમાં રાહુલ ગાંધીની હારની જવાબદારી લઈને જીલ્લા અધ્યક્ષ યોગેશ મિશ્રાએ પણ રાજીનામુ પાર્ટીના અધ્યક્ષને મોકલી દીધુ છે. લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના કંગાળ દેખાવ બાદ ઓરિસ્સામાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નિરંજન પટનાયકે પણ રાજીનામુ આપી દીધુ છે.
ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને માત્ર એક સીટ મળી છે. ફતેહપુર સિકરીમાં કોંગ્રેસના ઉમેદવાર રાજ બબ્બરની પણ હાર થઈ છે. ભાજપના ઉમેદવાર રાજકુમારની સામે રાજ બબ્બર ૩ લાખથી પણ વધારે મતોથી હારી ગયા છે. પાર્ટીએ પહેલા રાજ બબ્બરને મુરાદાબાદમાંથી ઉમેદવાર બનાવ્યા હતા. પરંતુ ત્યાંથી ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો હતો. મુરાદાબાદની સીટ પરથી ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યા બાદ રાજ બબ્બરને ફતેહપુર સીટ આપવામાં આવી હતી.
ભાજપે ફતેહપુર સિકરી સીટ પરથી છેલ્લા ઘડીએ રાજકુમારને ટિકિટ આપી હતી. રાજ બબ્બરે ટ્વિવટ કરીને કહ્યું છે કે, પ્રજાનો વિશ્વાસ હાંસલ કરવા માટે વિજેતાઓને તેઓ અભિનંદન આપે છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસ માટે પરિણામો નિરાશા જનક રહ્યા છે. પોતાના જવાબદાર સફળ રીતે અદા ન કરવા બદલ રાજ બબ્બરે પોતાના જવાબદારી સ્વિકારી છે. સિનેમા જગતમાંથી રાજનીતિમાં આવેલા રાજ બબ્બરે ૧૯૮૯માં વીપી સિંહના નેતૃત્વમાં જનતા દળમાં જાડાયા હતા. ૨૦૦૬માં તેમને સમાજવાદી પાર્ટીમાંથી પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ૨૦૦૮માં તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જાડાઈ ગયા હતા.