શ્રીનગર: જમ્મુ-કાશ્મીરની સ્થાનિક ચૂંટણીમાં ભાજપને આ વખતે ખીણાં અભૂતપૂર્વ જીત હાંસલ થઈ છે. ખીણમાં થયેલી સ્થાનિક ચૂંટણીના ગાળા દરમિયાન ભાજપે દક્ષિણ કાશ્મીરના ચાર જિલ્લામાં જારદાર સપાટો બોલાવ્યો છે. કાશ્મીરના આતંક પ્રભાવિત સોપિયન, કુલગામ, પુલવામા અને અનંતનાગ જિલ્લામાં ભાજપે જારદાર સપાટો બોલાવીને જીત હાંસલ કરી છે. જેનાથી સ્થાનિક સ્તરે પણ હવે જિલ્લાઓમાં ભાજપને સંજીવની મળી ગઈ છે. આજે જાહેર કરવામાં આવેલા સ્થાનિક ચૂંટણીના પરિણામમાં ભાજપને હજુ સુધી સોપિયાના ૧૨ વોર્ડમાં જીત મળી હતી.
જ્યારે પાંચ વોર્ડમાં ઉમેદવાર ન હોવાના કારણે કોઈપણ ઉમેદવારની પસંદગી કરાઈ ન હતી. આ ઉપરાંત કાઝીગુંદનગરની ચૂંટણીમાં ભાજપે સાતમાંથી ચાર સીટો જીતીને બહુમતી મેળવી લીધી છે. પહેલગામની ૧૩ સીટોમાંથી સાત સીટો ઉપર ભાજપે જીત હાંસલ કરી લીધી છે. પહેલગામની બાકીની છ સીટો ઉપર કોઈ ઉમેદવારી ન હોવાને કારણે ઉમેદવારોની ચૂંટણી થઈ શકી ન હતી. ભાજપ ઉપરાંત કોંગ્રેસ પાર્ટીએ પણ દક્ષિણ કાશ્મીર અને મધ્ય કાશ્મીરના કેટલાક વોર્ડમાં જારદાર સોપાટો બોલાવ્યો છે. કોંગ્રેસ પાર્ટીને અનંતનાગના ડોરૂમાં સ્થાનિક ચૂંટણીની ૧૭ સીટોમાંથી ૧૪ પર જીત મળી હતી. અહીંની બે સીટો પર ભાજપે કબજા જમાવ્યો હતો. જ્યારે અન્ય એક સીટ પર ઉમેદવાર ન હોવાના કારણે ઉમેદવાદરની પસંદગી થઈ શકી ન હતી.
ડોરૂના જે વિસ્તારમાં કોંગ્રેસની જીત મળી છે તેને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ગુલામ અહેમદ મીરના પ્રભાવવાળા ક્ષેત્ર તરીકે ગણવામાં આવે છે. બડગામની ૧૩ સીટોમાં કોંગ્રેસને ૬ અને ભાજપને ૪ સીટો મળી હતી. અંતિમ તબક્કામાં માત્ર ચાર ટકા મતદાન થયું હતું. અંતિમ તબક્કામાં ૧૬મી ઓકટોબરના દિવસે મતદાન થયું હતું.