નવી દિલ્હી : ભારતના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ત્રણ રાજ્યોમાં હાલમાં જ યોજાયેલી વિધાનસભાની ચુંટણીમાં હાર મળ્યા બાદ આજે પ્રથમ વખત ટિપ્પણી કરી હતી. અમિત શાહે કહ્યું હતું કે હાલમાં મળેલી હારથી નિરાશ થવાની જરૂર નથી. તેમણે ઉમેર્યું હતું કે વિરોધીઓ જીતી ગયા છે પરંતુ અમે કોઈપણ જગ્યાએ પરાજિત થયા નથી. તેમણે દાવા સાથે કહ્યું હતું કે પરિણામો અપેક્ષા મુજબના આવ્યા નથી પરંતુ ભારતીય જનતા પાર્ટીના આધારમાં કોઈપણ જગ્યાએ ઘટાડો થયો નથી. મતની ટકાવારીમાં પણ કોઈ ઘટાડો થયો નથી. કાર્યકરોને આત્મવિશ્વાસમાં આગળ વધવાની જરૂર દેખાઈ રહી છે.
તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચુંટણીમાં ભાજપની રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં હાર થઈ હતી. અમિત શાહે કાર્યકરોમાં ઉત્સાહ ભરતા કહ્યું હતું કે ભાજપ માટે લોકસભા ચુંટણી ખુબ મહત્વપૂર્ણ છે. જા અમે ચુંટણીમાં મોટી જીત હાંસલ કરવામાં સફળ રહીશું તો લાંબા સમય સુધી સંસદથી લઈને પંચાયત સુધી શાસન કરવામાં સફળ રહીશું. તેમણે કહ્યું હતું કે ત્રણ રાજ્યોમાં ચુંટણીના પરિણામ અપેક્ષા મુજબ રહ્યા નથી પરંતુ આનાથી નિરાશ થવાની જરૂર નથી.
મતદાનના દિવસે એટલી ખાતરી કરવાની જરૂર છે કે તેમના પરિવાર અને તેમના મિત્રોના મત સવારે ૧૦.૩૦ વાગ્યાથી પહેલા પડી જાય. રામલીલા મેદાનમાં ભાજપના કાર્યકરોને સંબોધતા અમિત શાહે આ મુજબની વાત કરી હતી. કોંગ્રેસ પર પ્રહાર કરતા શાહે કહ્યું હતું કે જાતિવાદ, વંશવાદના પરિણામ સ્વરૂપે દેશમાં ખતરનાક કેન્સરની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. આ નીતિઓના પરિણામ સ્વરૂપે લોકશાહી નબળી થઈ હતી. વિકાસમાં અડચણો ઉભી થઈ હતી પરંતુ હવે દેશના લોકોમાં આત્મવિશ્વાસ સતત વધી રહ્યો છે. અમિત શાહે ગઈકાલે પણ સંબોધન કર્યું હતું.