પીર પરાઈ ફાઉન્ડેશન અને પરિવર્તન ફાઉન્ડેશન દ્વારા આયોજિત સંગીતમય ભજન સંધ્યામાં વૃદ્ધોએ ઉત્સાહભેર ભાગ લીધો

Rudra
By Rudra 2 Min Read

અમદાવાદ: પીર પરાઈ ફાઉન્ડેશન અને પરિવર્તન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે, સ્વતંત્રતા દિવસ અને શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર્વની પૂર્વસંધ્યાએ પૂરા ભક્તિભાવ સાથે સંગીતમય ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક અને દેશભક્તિની ભાવનાથી પ્રેરિત કાર્યક્રમ, ઇસરો કોમ્યુનિટી હોલ, વિક્રમ નગર, આમલી બોપલ રોડ, અમદાવાદ ખાતે યોજાયો હતો.

આ કાર્યક્રમમાં પાંચ અલગ-અલગ વૃદ્ધાશ્રમોમાં રહેતા 100 થી વધુ વૃદ્ધોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમણે હાથમાં તિરંગો લહેરાવીને દેશભક્તિના ગીતો પર આધારિત કાર્યક્રમનો ખૂબ આનંદ માણ્યો હતો. તેમના ઉત્સાહ સાથે અહીં સમગ્ર પરિસર દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મહેશ સિંહ કુશવાહા અને વિશેષ મહેમાન તરીકે રાજેન્દ્ર શાહ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, નિરાશાજનક અને એકલવાયી સ્થિતિમાં જીવતાં વૃદ્ધોની સેવા કરીને પીર પરાઈ ફાઉન્ડેશન ખુબજ ઉમદા કાર્ય કરી રહ્યું છે. વૃદ્ધાવસ્થા જીવનનો એવો પડાવ છે, જેમાં દરેકને કાળજી, સહાનુભૂતિ, લાગણી અને સમર્થનની જરૂર હોય છે. ખરેખર, ફાઉન્ડેશનનું આ સેવાકાર્ય, વૃદ્ધજનો માટે આશીર્વાદરૂપ છે.

આ પ્રસંગે, પીર પરાઈ ફાઉન્ડેશનના સંસ્થાપક અને પ્રમુખ શરદ અગ્રવાલે જણાવ્યું હતું કે, સંસ્થા દ્વારા વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોની સેવા કરવા ઉપરાંત, આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને પણ શૈક્ષણિક સહાય કરવામાં આવે છે. આ ઉપરાંત, જરૂરિયાતમંદ લોકોને તબીબી સારવાર માટે પણ સંસ્થા મદદરૂપ બને છે.

આ કાર્યક્રમનું સંચાલન મંત્રી એડવોકેટ પ્રમોદ ગુપ્તા દ્વારા કરવામાં આવ્યું હતું. દેશભક્તિ અને ધાર્મિક ભાવનાથી ભરપુર આ સાંસ્કૃતિક કાર્યક્રમના આયોજન માટે સંસ્થાના કાર્યની સરાહના કરી તેમાં સૌ કોઈએ ખુબજ આનંદ અને ઉલ્લાસ સાથે ભાગ લીધો હતો.

Share This Article