સિનિયર અભિનેતા અનિલ કપૂરને એની પુત્રી નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી સોનમ કપૂર સાથે ચમકાવતી ફિલ્મ એક લડકી કો દેખા તો ઐસા લગાની સ્ક્રીપ્ટ જગવિખ્યાત ઓસ્કાર લાયબ્રેરીમાં મૂકાશે એવી માહિતી મળી હતી.
ધી એકેડેમી ઑફ મોશન પિક્ચર આર્ટ એન્ડ સાયન્સીઝ તરફથી આ ફિલ્મની સ્ક્રીપ્ટની નકલ માગવામાં આવી હોવાનું મિડિયાને જણાવવામાં આવ્યું હતું. બોલિવૂડની અન્ય એક ફિલ્મ સંજુની સ્ક્રીપ્ટ પણ ઓસ્કાર લાયબ્રેરીએ માગી હોવાનું કહેવાય છે. સંજુ ફિલ્મ સિનિયર અભિનેતા સંજય દત્તની બાયો-ફિલ્મ હતી જે રાજકુમાર હીરાણીએ બનાવી હતી અને એમાં રણબીર કપૂરે સંજય દત્તનો રોલ કર્યો હતો.
દુનિયાભરની ઉત્તમોત્તમ ફિલ્મોની સ્ક્રીપ્ટ ઓસ્કાર લાયબ્રેરીમાં રાખવામાં આવે છે. મનોરંજન ઉદ્યોગનો અભ્યાસ કરનાર સ્ટુડન્ટ ઉપરાંત ફિલ્મ સર્જકો અને લેખકોને આ લાયબ્રેરીમાં કોઇ પણ ફિલ્મની સ્ક્રીપ્ટનો અભ્યાસ કરવાની તક મળે છે.