નવી દિલ્હી : ઇદના પ્રસંગે ઇસ્લામિક શિક્ષણ સંસ્થા દારુલ ઉલુમ દેવબંદે એક નવો ફતવો જારી કર્યો છે. જેને લઇને વિવાદ થઇ ગયો છે. દેવબંદના આ ફતવામાં કહેવામાં આવ્યુ છે કે ઇદના તહેવારના ગાળા દરમિયાન એકબીજાને ગળે મળવાની બાબત ઇસ્લામની નજરમાં યોગ્ય નથી. હકીકતમાં પાકિસ્તાનના એક શખ્સે દારૂલને પ્રશ્ન કર્યો હતો કે શુ હઝરત મોહમ્મદ સાહેબના જીવનકાળા દરમિયાન કરવામાં આવેલા કાર્યોથી આ બાબત સાબિત થાય છે કે ઇદના દિવસે ગળે મળવાની બાબત સારી બાબત છે.
આ શખ્સે પ્રશ્ન કર્યો હતો કે જો કોઇ વ્યક્તિ ગળે લાગવા માટે આગળ વધે તો શુ તેને ગળે લગાવી લેવી જોઇએ કે કેમ . આના જવાબમાં દેવબંદના મુફ્તિઓએ કહ્યુ હતુ કે જો કોઇ વ્યક્તિ ગળે મળવા માટે આગળ આવે છે તો તેમને વિનમ્રતાની સાથે રોકી દેવાની જરૂર હોય છે. જો કે દારુલના મુફ્તિઓએ કહ્યુ છે કે જો કોઇની સાથે લાંબા સમય બાદ મુલાકાત થાય છે તો તેને ગળે મળવામાં કોઇ વાંધો નથી. મુફ્તિઓની પેનલે કહ્યુ છે કે જો કોઇ વ્યક્તિ ગળે મળવાની ઇચ્છા રાખે છે તો પ્રેમ અને વિનમ્રતાની સાથે રોકી દેવાની જરૂર હોય છે. ફતવામાં કેટલીક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આવુ કરતી વેળા કોઇ પણ પ્રકારના વિવાદ ન થાય તે બાબત પર ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે. આ પહેલા પણ દેવબંદે અનેક વખત નવા નવા ફતવા પાડીને વિવાદ ઉભા કર્યા છે. આ વખતે નવા ફતવાથી ફરી વિવાદ થાય તેવા સંકેત છે.