ગુજરાત સરકારના નવનિયુક્ત શિક્ષણ મંત્રીઓ સાથે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારીની બેઠક ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનવર્સિટીમાં ખાતે યોજાઈ હતી. આ બેઠકમા શિક્ષકોના વિવિધ સંવર્ગના પ્રશ્નો અંગે વાર્તાલાપ કરવામા આવ્યો હતો. આ બેઠક અંતર્ગત નવનિયુક્ત શિક્ષણ મંત્રીઓનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાથે જ શિક્ષણ મંત્રીઓને શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે વાકેફ કરવા બેઠકમા મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા કરાઈ હતી. ૨૦૦૫ પહેલાનો ઓલ્ડ પેન્શન યોજનાનો ઠરાવ કરવાનો અને ૧૦ ટકાની જગ્યાએ ૧૪ ટકા સરકાર પોતાની કપાત કરે તેવા બે મુદ્દા અંગે પણ ચર્ચા થઈ હતી. આ તમામ મુદ્દા વચ્ચે જૂની પેન્શન યોજના ફરીથી દાખલ થાય તે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનો મહત્વનો મુદ્દો રહ્યો હતો.
રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાત પ્રાંતના અધ્યક્ષ ભીખા પટેલે ગુજરાતના કર્મચારીઓને ઓલ્ડ પેન્શન યોજનાનો લાભ મળે એ પ્રકારે જ્વલન કાર્યક્રમો આપી આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. એક તરફ આરએસએસની ભગીની સંસ્થા રાષ્ટ્રીય શૈક્ષિક સંઘે સરકારના મંત્રીઓનું સન્માન કર્યું હતું તો બીજી તરફ તેમની સાથે પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. પડતર પ્રશ્નો મુદ્દે રાષ્ટ્રીય શૈક્ષિક સંઘે આગામી દિવસમાં આંદોલન પણ કરશે. અગાઉ પણ શૈક્ષિક સંઘે આંદોલન કર્યું હતું જેની સામે સરકારે નમવું પડ્યું હતું. ત્યારે હવે ફરીથી આંદોલન કરવામાં આવશે પરંતુ તે પહેલાં મંત્રીઓ સાથે બેઠક કરીને હકારાત્મક અભિગમ માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો.