ગાંધીનગર ખાતે થનગનાટ કલ્ચરલ ફાઉન્ડેશન આયોજીત ત્રિદિવસીય એજ્યુકેશન એક્સપો-ર૦૧૮નો પ્રારંભ થયો છે. આ ત્રિદિવસીય એજ્યુકેશન એક્સપો-૨૦૧૮નું ઉદ્ઘાટન મુખ્યમંત્રી વિજય રૂપાણીના હાસ્તે કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ડેમોગ્રાફીક ડીવીડન્ડ સમાન યુવાશક્તિને આધુનિક સમયાનુકુલ શિક્ષણના આયુધથી સજ્જ કરી રાષ્ટ્ર ઘડતર-રાષ્ટ્રનિર્માણમાં જોડવા એજ્યુકેશન એક્ષ્પોને સક્ષમ માધ્યમ ગણાવ્યા છે.
ભારત વિશ્વનો સૌથી યુવા દેશ છે તેવે સમયે યુવાશક્તિને યોગ્ય દિશાદર્શન-માર્ગદર્શન મળે તો યુવાશકિત ભવિષ્યના પડકારોને તકમાં પલટાવવા સક્ષમ છે.
મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, કારકીર્દી ઘડતરના ઉંબરે ડગ માંડતા વિદ્યાર્થીઓ-યુવાઓને આવા એજ્યુકેશન એક્ષ્પો દ્વારા વિશ્વકક્ષાના અભ્યાસક્રમો, કેરિયર ઓરિએન્ટેડ એજ્યુકેશન વગેરેની માહિતી-જ્ઞાન ઘેર બેઠાં મળી રહે છે.
વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ કે, ગુજરાતનો યુવાન વિશ્વ સાથે આંખમાં આંખ મિલાવી સ્પર્ધા કરી શકે તેવો સામર્થ્યવાન બનાવવા, ભારત નિર્માણમાં તેનું યોગદાન પ્રેરિત કરવા મરિન યુનિવર્સિટી, ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી, પેટ્રોલિયમ યુનિવર્સિટી, રક્ષાશકિત યુનિવર્સિટી જેવી વિશ્વકક્ષાની પ૭ યુનિવર્સિટીઓ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિઝનથી રાજ્યમાં સાકાર થઇ છે.
વિજયભાઇ રૂપાણીએ ધોરણ-૧ર પછી કારકીર્દી ઘડતરની અહેમિયત ઓળખીને આવા એજ્યુકેશન એક્સપો યોજાઇ રહ્યા છે તેને અભિનંદનીય ગણાવ્યા હતા.