અમદાવાદ : તાજેતરમાં રાજયભરમાં દલિતો અને અનુસૂચિત જાતિના લોકો વિરૂધ્ધ લગ્નપ્રસંગમાં ઘોડીએ ચઢવા દેવાનો વિરોધ કરી સામાજિક બહિષ્કાર કરવાના ભારે વિવાદો બાદ હવે રાજયના શિક્ષણ વિભાગે રાજ્યની શાળાઓમાં આભડછેટ દૂર કરવાના પ્રયત્નો હાથ ધર્યા છે. જેના ભાગરૂપે હવેથી મધ્યાહ્નન ભોજન વખતે પણ વિદ્યાર્થીઓને એક જ હરોળમાં એકસાથે બેસાડીને ભોજન આપવામાં આવશે. જો શાળામાં પાણીના અલગ માટલા અને ગ્લાસ રાખવામાં આવશે તો શાળાના મુખ્ય શિક્ષક સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે રાજ્યના તમામ ડીઇઓ(જિલ્લા શિક્ષણાધિકારી)ને પરિપત્ર મોકલી દેવામાં આવ્યો છે. સાણંદના નાના દેવતી ગામે થોડા દિવસ પહેલા દલિત અધિવેશન યોજાયું હતું,
તેમા અલગ-અલગ ઠરાવ કરવામાં આવ્યા હતા, જેમા એક ઠરાવ આભડછેટનો કરાયો હતો. તાજેતરમાં રાજયભરમાં દલિતો અને અનુસૂચિત જાતિના લોકો વિરૂધ્ધ લગ્નપ્રસંગમાં ઘોડીએ ચઢવા દેવાનો વિરોધ કરી સામાજિક બહિષ્કાર કરવાના ભારે વિવાદોને પગલે સમગ્ર આભડછેડ અને અસ્પૃશ્યતાના દૂષણનો મામલો ગરમાયો હતો. બાદમાં રાજયના વિવિધ સ્થળોએ દલિત સંમેલનો અને અધિવેશન બોલાવી આભડછેડનો મુદ્દો મોટાપાયે ઉઠાવવામાં આવ્યો હતો. રાજ્યની કેટલીક સરકારી શાળાઓમાં મધ્યાહ્નન ભોજન સમયે આભડછેટ રાખવામાં આવે છે. પાણીના અલગ માટલા અને ગ્લાસ પણ મુકવામાં આવે છે સહિતના મુદ્દાઓ સરકારના ધ્યાન પર મૂકાયા હતા. જેને પગલે હવે રાજય સરકારે રાજયની શાળાઓમાં આભડછેટ-અસ્પૃશ્યતાના દૂષણને દૂર કરવા માટે કવાયત હાથ ધરી છે.
જેમાં શિક્ષણ વિભાગે આજે એક મહત્વનો પરિપત્ર જાહેર કરી શાળાઓમાંથી આભડછેટ દૂર કરવા રાજયના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને સૂચના જારી કરી હતી. સરકાર દ્વારા સ્પષ્ટ તાકીદ કરવામાં આવી હતી કે, જા કોઇ સ્કૂલમાં પાણીના માટલા અને ગ્લાસ અલગ હશે અથવા અન્ય કોઇ આભડછેટ જણાય તેવી પ્રવૃત્તિ જોવા મળશે તો શાળાના મુખ્ય શિક્ષક સામે કાર્યવાહી કરાશે. એટલે કે, પરિપત્રનું પાલન કરાવવાની જવાબદારી અને તાકીદ આડકતરી રીતે શાળાના મુખ્ય શિક્ષક પર નાંખવામાં આવી છે. મુખ્ય શિક્ષકોને પરિપત્રની અમલવારીનું ધ્યાન રાખવું પડશે.