નવી દિલ્હી : તપાસ સંસ્થા ઇડી દ્વારા છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં રેકોર્ડ ૩૩૦૦૦ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરી છે. આજે નિવૃત્ત થયેલા ઇડીના વડા કર્નાલસિંહની અવધિમાં આશરે ૩૯૦ મામલામાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. હવે આ જવાબદારી આઈઆરએસ અધિકારી એસકે મિશ્રાને સોંપવામાં આવી છે. કર્નાલસિંહે ૨૦૧૫માં ઇડીમાં જવાબદારી સંભાળી હતી. કર્નાલસિંહે મની લોન્ડરિંગ, વિદેશી હુંડિયામણ ધારાધોરણ ભંગ, ભ્રષ્ટાચાર સાથે જાડાયેલા અનેક હાઈપ્રોફાઇલ મામલામાં ઝડપ લાવવામાં ભૂમિકા ભજવી હતી.
તેમની અવધિ દરમિયાન ઓગસ્ટા વેસ્ટલેન્ડ, પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમને આવરીલેતા મની લોન્ડરિંગ કેસ, વિજય માલ્યા બેંક છેતરપિંડી કેસ, નિરવ મોદી, મેહુલ ચોકસી છેતરપિંડી કેસ, ટુજી સ્પેક્ટ્રમ અને કોલસા કૌભાંડ જેવા મામલા સામેલ છે. કર્નાલસિંહ કેન્દ્ર શાસિત પ્રદેશ કેડરના ૧૯૮૪ની બેંચના આઈપીએસ અધિકારી છે. છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં ઇડીમાં નોંધવામાં આવેલા શ્રેણીબદ્ધ મામલાઓ, સંપત્તિ જપ્ત કરવાની પ્રક્રિયા અને ચાર્જશીટ દાખલ કરવાની ગતિ વધુ તીવ્ર બની હતી. ઇડીએ વર્ષ ૨૦૧૫થી લઇને હજુ સુધી ૩૩૫૬૭ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે.
આ પહેલા ૧૦ વર્ષના ગાળામાં આ આંકડો માત્ર ૯૦૦૩ કરોડ રૂપિયાનો હતો. ત્રણ વર્ષના ગાળામાં ઇડી દ્વારા ૩૯૦ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે તે પહેલા ૧૦ વર્ષના ગાળામાં માત્ર ૧૭૦ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આવી જ રીતે ફોરેન એક્સચેંજ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) હેઠળ ઇડીએ ૮૪૫૨ કેસ દાખલ કર્યા છે જ્યારે ૨૦૦૫થી લઇને ૨૦૧૫ વચ્ચેના ગાળામાં એટલે કે ૧૦ વર્ષમાં ૯૫૦૦ મામલા નોંધવામાં આવ્યા હતા. ત્રણ વર્ષમાં ૫૪૯૫ ફેમા કેસોમાં તપાસ કરવામાં આવી છે જ્યારે ૧૦ વર્ષમાં ૪૭૨૫ કેસમાં તપાસ પૂર્ણ થઇ હતી. ત્રણ વર્ષમાં અહીં સ્ટાફની સંખ્યા ૬૮૨થી વધુને ૧૦૩૩ સુધી પહોંચી ગઈ છે. ઇડીએ છેલ્લા ત્રણ વર્ષમાં ૩૩૦૦૦ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરી છે. ઓગસ્ટા વેસ્ટલેન્ડ, ચિદમ્બરમને આવરી લેતા કેસ, સ્ટ‹લગ બાયોટેક કેસ, વિજય માલ્યા છેતરપિંડી કેસમાં તપાસ હજુ પણ ચાલી રહી છે. ઇડી દ્વારા આક્રમકરીતે તપાસ કરવામાં આવતા છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં મોટી સંખ્યામાં સંપત્તિ જપ્ત કરીને સંબંધિતો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ સિલસિલો જારી રાખવાની બાબત હવે આઈઆરએસ અધિકારી એસકે મિશ્રા ઉપર આવી ગઈ છે.