ઈડીને ફ્લેટના ટોઈલેટમાંથી અધધ.. કરોડો રૂપિયા કેશ મળી આવ્યા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ED એ બુધવારે શિક્ષક ભરતી કૌભાંડમાં કોલકાતાની આજુબાજુ ત્રણ ઠેકાણે દરોડા પાડ્યા. આ દરમિયાન અર્પિતા મુખરજીના બેલઘરિયા સ્થિત એક ફ્લેટમાંથી ઈડીને લગભગ ૨૮કરોડ (૨૭.૯૦) કેશ અને ૪.૩૧ કરોડના દાગીના મળી આવ્યા છે. ઈડીની ટીમને આ પૈસા ગણતા લગભગ ૧૦ કલાક જેટલો સમય લાગ્યો. ચોંકાવનારી વાત એ છે કે આ બધા પૈસા અર્પિતાએ ફ્લેટના ટોઈલેટમાં રાખ્યા હતા.  ઈડીના સૂત્રોના જણાવ્યા મુજબ જેલમાં અર્પિતા મુખર્જીની રાત મુશ્કેલથી પસાર થઈ રહી છે. એકબાજુ પાર્થ ચેટર્જી ઊંઘની ગોળીઓથી કામ ચલાવે છે ત્યાં અર્પિતા મોટાભાગે જેલમાં રડી રડીને સમય પસાર કરી રહી છે. આ બધા વચ્ચે બંનેની લાઈફસ્ટાઈલ અંગે પણ મોટી વાત સામે આવી છે. અર્પિતા સરખું જમતી પણ નથી. ખુબ તણાવમાં જોવા મળી રહી છે. 

અત્રે જણાવવાનું કે ઈડીએ શિક્ષક ભરતી કૌભાંડ સંલગ્ન મામલે હાલમાં જ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સરકારમાં મંત્રી પાર્થ ચેટર્જીની ધરપકડ કરી હતી. અર્પિતા મુખર્જી પાર્થ ચેટર્જીની નીકટની ગણાય છે. ૫ દિવસ પહેલા જ ઈડીને અર્પિતાના ફ્લેટમાંથી ૨૧ કરોડ રૂપિયા કેશ અને ખુબ જ કિંમતી સામાન મળી આવ્યો હતો. ઈડીએ અર્પિતાની ૨૩ જુલાઈએ ધરપકડ કરી હતી.  ઈડીની આ કાર્યવાહી બાદ વિપક્ષી પાર્ટીઓ ટીએમસી પર પાર્થ ચેટર્જીને કેબિનેટમાંથી બહાર કાઢવાની માંગણી કરી રહી છે.

બીજી બાજુ આ કૌભાંડમાં મની ટ્રેલની તપાસ કરી રહેલી ઈડીએ પશ્ચિમ બંગાળ માધ્યમિક શિક્ષણ બોર્ડના પૂર્વ અધ્યક્ષ ટીએમસી ધારાસભ્ય માણિક ભટ્ટાચાર્યની પણ પૂછપરછ કરી.  ઈડીએ બુધવારે સવારે દક્ષિણ કોલકાતાના રાજડાંગા અને બેલઘરિયામાં અનેક ઠેકાણે દરોડા પાડ્યા. આ પ્રોપર્ટીઓ કથિત રીતે અર્પિતા મુખર્જીની છે. ઈડીની પૂછપરછમાં અર્પિતા મુખર્જીએ આ સંપત્તિઓનો ખુલાસો કર્યો હતો. ઈડીએ આ ફ્લેટમાં ઘૂસવા માટે દરવાજો તોડવો પડ્યો હતો. કારણ કે તપાસ એજન્સીઓને ચાવી જ ન મળી. ફ્લેટમાંથી એટલી કેશ મળી કે ગણવા માટે મશીન લાવવા પડ્યા હતા. મહત્વના દસ્તાવેજો પણ મળી આવ્યા છે.

Share This Article