અમદાવાદ : એક તરફ ગુજરાત પર વાયુ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે ત્યારે બીજી તરફ આજે અંબાજી નજીક સાંજે ૪.૧૭ વાગ્યે ૨.૩ની તીવ્રતાનો ભૂંકપનો આચકો અનુભવાયો હતો. પાલનપુરથી ૩૨ કિલોમીટર પૂર્વ-ઉત્તર તરફ અમીરગઢ નજીક કેંગોરા ભૂકંપનું કેન્દ્ર બિન્દુ નોંધાયું હતું. ભૂકંપના આ આંચકાની અસર આબુરોડથી લઇ સમગ્ર ઉત્તર ગુજરાતમાં અનુભવાઇ હતી. આમ, છેલ્લા દસ દિવસમાં ઉત્તર ગુજરાતની ધરા બીજીવાર ધ્રુજી હતી અને ભૂકંપનો હળવો આંચકો નોંધાતા સ્થાનિક લોકોમાં પણ સ્વાભાવિક ફફડાટની લાગણી થોડા સમય માટે ફેલાઇ હતી.
અલબત્ત, આજે નોંધાયેલા ભૂંકપના હળવા આચંકાથી કોઇ નુકસાન કે જાનહાનિ નહી નોંધાતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લા સહિત પંથકના અનેક વિસ્તારોમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. અંબાજી નજીક આજે સાંજે ૪.૧૭ મિનિટે ૨.૩ની તીવ્રતાના હળવા ભૂકંપના આંચકા નોંધાયા હતા. ભૂકંપના આ આંચકાઓની અસર ઉત્તર ગુજરાતથી લઇ છેક આબુ રોડ સુધી અનુભવાઇ હતી. ભૂસ્તરશા†ીઓની તપાસમાં આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાલનપુરથી ૩૨ કિલોમીટર દૂર પૂર્વ-ઉત્તર તરફ અમીરગઢ નજીક કેંગોરા ખાતે નોંધાયું હતું.
અગાઉ પણ તા.૬ઠ્ઠી જૂનના રોજ ઉત્તર ગુજરાતમાં ભૂકંપના આંચકા નોધાયા હતા. સતત ૧૦ સેકન્ડ સુધી આવેલા ભૂંકપના કારણે લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. એ વખતે ભૂકંપના આંચકાની તીવ્રતા ૪.૮ની હતી.
પાલનપુર, ડીસા, અંબાજી સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. અગાઉના ભૂકંપનુ એપી સેન્ટર અંબાજીથી ૨૪ કિમી. દૂર ભાયલા ગામે નોંધાયુ હતું. ત્યારબાદ આ ભૂકંપના બીજા આંચકાને લઇ લોકોમાં થોડો ફફડાટ ફેલાયો હતો.