ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગુરુવારે સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૫.૪ નોંધાઈ હતી. હાલમાં કોઈ જાનહાની કે જાનમાલના નુકસાનની કોઈ માહિતી નથી, પરંતુ ભૂકંપના જોરદાર આંચકાને કારણે લોકો ભયભીત થઈ ગયા હતા અને ઘરની બહાર નીકળી ગયા હતા. ઉત્તરકાશી, પિથોરાગઢ, ચમોલી અને બાગેશ્વર એ ઉત્તરાખંડના જિલ્લા છે જ્યાં વારંવાર ભૂકંપ આવે છે.
છેલ્લા ૧ વર્ષમાં ઉત્તરકાશી જિલ્લામાં લોકોએ ઘણી વખત ભૂકંપના આંચકા અનુભવ્યા છે.આ પહેલા ૨૧ માર્ચે રાજ્યના ચમોલી, દેહરાદૂન, મસૂરી, ઉત્તરકાશી, રૂરકી, ચમોલી અને હરિદ્વારમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૬.૬ માપવામાં આવી હતી. ઉત્તરાખંડના લોકોએ અનેક વખત ભૂકંપના કારણે તબાહીનો સામનો કરવો પડ્યો છે. આ તબાહીમાં અનેક લોકો બેઘર બન્યા હતા. ભારતમાં એવા ઘણા રાજ્યો છે જે ભૂકંપની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. ઉત્તરાખંડ પણ તેમાંથી એક છે. ઉત્તરાખંડમાં વારંવાર ભૂકંપના આંચકા આવતા રહે છે.
ઉત્તરાખંડ રાજ્ય સિસ્મેક ઝોન પાંચની શ્રેણીમાં આવે છે. રાજ્યના ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, કપકોટ, ચમોલી અને કુમાઉના મુનશિયારી વિસ્તારો ભૂકંપની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ છે. આ તમામ વિસ્તારોમાં ઉત્તરકાશીને ભૂકંપની દૃષ્ટિએ સૌથી સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે. એ યાદ રહે કે ગઈકાલ બુધવારે, અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.અમરેલી સાવરકુંડલાના મીતીયાળા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી ભૂકંપના આચકા અનુભવાયા હતા. જેમાં સાવરકુંડલાના મીતીયાળા, સાકરપરા, ધજડી અને ખાંભા ગીર વિસ્તારનાં નાની ધારી, વાંકીયા, ભાડ, નાના વિસાવદર, ઇંગોરાળા ગામમાં આંચકા અનુભવાયા હતા. ૨.૪ ની તીવ્રતાનો આવ્યો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જ્યારે ભૂકંપનું કેન્દ્ર બિંદુ મીતીયાળાથી ૬ કિલોમીટર દૂર નોંધાયું હતું.