ઈન્ડોનેશિયાના મુખ્ય દ્વિપ જાવામાં સોમવારે આવેલા ભૂકંપમાં લગભગ ૨૦ લોકોના મોત થયા. જ્યારે ઓછામાં ઓછા ૩૦૦ લોકો ઘાયલ થયા છે. સિયાંજૂરના પ્રશાસનના પ્રમુખ હરમન સુહરમને કહ્યું કે, હાલ મને જે જાણકારી મળી છે તેમાં અહીંની આ હોસ્પિટલમાં જ લગભગ ૨૦ લોકોના મોત થયા છે અને ઓછામાં ઓછા ૩૦૦ લોકોની સારવાર થઈ રહી છે. તેમાંથી મોટાભાગનાને ઈમારતોના ખંડેરોમાં ફસવાના કારણે ફ્રેક્ચર થયું છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૫.૦૪ની હોવાની કહેવાઈ છે. ઈન્ડોનેશિયા ૨૭ કરોડથી વધુ લોકોનો એક વિશાળ દ્વિપસમૂહ ભૂકંપ, જ્વાળામુખી વિસ્ફોટ અને ત્સુનામીથી હંમેશા પ્રભાવિત રહે છે.
અત્રે જણાવવાનું કે આ વર્ષ ફેબ્રુઆરીમાં પશ્ચિમ સુમાત્રા પ્રાંતમાં ૬.૨ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેના કારણે ઓછામાં ઓછા ૨૫ લોકોના મોત થયા હતા અને ૪૬૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા. જાન્યુઆરી ૨૦૨૧માં પશ્ચિમ સુલાવેસી પ્રાંતમાં ૬.૨ની તીવ્રતાના ભૂકંપથી ૧૦૦થી વધુ લોકોના મોત થયા હતા અને લગભગ ૬૫૦૦ લોકો ઘાયલ થયા હતા. ૨૦૦૪માં હિન્દ મહાસાગરમાં આવેલા એક શક્તિશાળી ભૂકંપ અને ત્સુનામીએ એક ડઝન જેટલા દેશોમાં લગભગ ૨૩૦૦૦૦ લોકોના જીવ લીધા હતા. જેમાંથી મોટાભાગના ઈન્ડોનેશિયામાં હતા.