નવી દિલ્હી : દિલ્હી અને એનસીઆરમાં આજે સાંજે ભૂકંપના આંચકાના કારણે લોકોમાં અફડાતફડી મચી ગઈ હતી. લોકો પોતાના ઘરમાં અને બીજા સ્થળો ઉપર હતા ત્યારે આંચકાનો અનુભવ થયો હતો. દુનિયાભરમાં ભૂકંપની માહિતી રાખનાર સ્વતંત્ર સંસ્થાના કહેવા મુજબ ભૂકંપની તીવ્રતા ૫.૭ આંકવામાં આવી હતી. દિલ્હી ઉપરાંત આસપાસના તમામ વિસ્તારો, શ્રીનગર, ઈસ્લામાબાદ, પેશાવરમાં પણ આંચકાનો અનુભવ થયો હતો. પાકિસ્તાનમાં ૬.૧ની તીવ્રતા અનુભવાઈ હતી. રાષ્ટ્રીય પાટનગર સહિત ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં આની તીવ્રતા ૫.૭ આંકવામાં આવી હતી.
નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના જણાવ્યા મુજબ ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાનમાં હતું અને ૫.૩૪ વાગે તેનો અનુભવ થયો હતો. જાનમાલના કોઈ નુકસાન થયા નથી. અફઘાનિસ્તાનના હિંદુકુશ ક્ષેત્રમાં પણ કેન્દ્ર હોવાનું કેટલાક લોકોએ કહ્યું છે. પાકિસ્તાનની સાથે પૂર્વીય ઉઝબેકિસ્તાનમાં પણ આંચકાનો અનુભવ થયો હતો. જમ્મુ-કાશ્મીરના પુંચમાં પણ લોકોએ આંચકો અનુભવ્યો હતો. ભૂકંપના આંચકા બાદ લોકો પોત પોતાના ઘરથી બહાર દોડી આવ્યા હતા.
લોકોએ સોશિયલ મીડિયા પર ભૂકંપથી સુરક્ષિત રહેવા માટે સૂચન કરતા પણ નજરે પડ્યા હતા. ભારતમાં હાલના વર્ષોમાં અનેક વખત તીવ્ર આંચકા અનુભવાઈ ચુક્યા છે. આવી સ્થિતિમાં વૈજ્ઞાનિકો દ્વારા અભ્યાસની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. દિલ્હી અને એનસીઆરમાં આવેલા આંચકા બાદ તમામ લોકો સગા સંબંધીઓ સાથે વાતચીત કરતા નજરે પડ્યા હતા. સાંજનો સમય હોવાથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પણ લોકોએ આંચકો અનુભવ્યો હતો.