અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટે આજે મહત્વના અને ઐતિહાસિક ચુકાદા મારફતે ગુજરાત વિધાનસભાની ૨૦૧૭માં યોજાયેલી ચૂંટણીમાં દ્વારકા વિધાનસભા બેઠકની ચૂંટણીના પરિણામો રદબાતલ ઠરાવ્યા છે. આ સાથે જ દ્વારકા બેઠક પરથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય પબુભા માણેકનું ધારાસભ્યપદ પણ હાઇકોર્ટે રદબાતલ ઠરાવ્યું છે. આ બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરિયા દ્વારા પબુભાની જીતને પડકારતી અને તેમનું ઉમેદવારીપત્ર ગંભીર ક્ષતિયુકત હોઇ રદબાતલ ઠરાવવા દાદ માંગતી ઇલેકશન પિટિશન ગુજરાત હાઇકોર્ટમાં કરાઇ હતી, જેને જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે અંશત ઃ ગ્રાહ્ય રાખી હતી. જા કે, હાઇકોર્ટે દ્વારકા વિધાનસભાની ચૂંટણી રદબાતલ ઠરાવી હતી પરંતુ પબુભા બાદ બીજા નંબરે આવતાં મેરામણ ગોરિયાને વિજયી જાહેર કરવાનો હાઇકોર્ટે ઇન્કાર કરી દીધો હતો. જા કે, ગુજરાત હાઇકોર્ટના આ ચુકાદાને પગલે ભાજપને બહુ મોટો ઝટકો મળ્યો છે.
કોંગ્રેસના મેરામણ ગોરિયા દ્વારા કરાયેલી ઇલેકશન પિટિશનમાં એડવોકેટ બી.એમ.મંગુકીયાએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, દ્વારકા વિધાનસભા બેઠકની ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પબુભા માણેકે પોતાનું ઉમેદવારી પત્ર ભરતી વખતે ૧૧ નંબરના કોલમમાં વિધાનસભા મતવિસ્તાર દ્વારકા અને આ મતવિસ્તારનો ક્રમાંક ૮૨ લખવુ પડે તે લખ્યું જ ન હતુ. એટલે કે, ઉમેદવારે પોતે કયા મતવિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યા છે, તેનો ઉલ્લેખ જ કર્યો ન હતો અને આમ કરી પબુભા માણેકના ઉમેદવારી ફોર્મ ભરવામાં ગંભીર ક્ષતિ સામે આવી હતી. અરજદારપક્ષ દ્વારા એ જ વખતે તત્કાલીન ચૂંટણી અધિકારીનું તાત્કાલિક ધ્યાન દોરી પબુભાનું ઉમેદવારી ફોર્મ રદ કરવા માંગણી કરાઇ હતી પરંતુ અરજદારની રજૂઆત ધ્યાને લેવાઇ ન હતી.
લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ-૩૩ થી ૩૬ સાથે વાંચતા ઉમેદવારી ફોર્મમાં ઉમેદવારે વિધાનસભા મતક્ષેત્રનું નામ અને ક્રમાંક લખવો ફરજિયાત છે. વળી, સુપ્રીમકોર્ટના સંબંધિત ચુકાદા મુજબ પણ, જો ઉમેદવારી ફોર્મમાં ગંભીર ક્ષતિ હોય તો તેવા ઉમેદવારી ફોર્મ રદ કરવા પડે પરંતુ તત્કાલીન ચૂંટણી અધિકારીએ ભાજપની સરકાર હોઇ ભાજપના ઉમેદવારનું ફોર્મ જાણીબુઝીને દબાણવશ રદ કર્યું ન હતું. જેના કારણે અરજદારને ભારે અન્યાય થયો હતો. ભાજપના ઉમેદવાર પછી અરજદારને સૌથી વધુ મતો મળ્યા હતા, તેથી ભાજપના ઉમેદવાર પબુભા માણેકનું ઉમેદવારી ફોર્મ ગેરકાયદે અને રદબાતલ થવાપાત્ર ઠરતું હોઇ અરજદારને ચૂંટાયેલા અને વિજયી જાહેર કરવા જોઇએ.