ટી ૨૦ વર્લ્ડકપ દરમિયાન ટીમ ઈન્ડિયાની મેચ સિનેમા હૉલમાં બેસીને જોઈ શકાશે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ભારતીય ક્રિકેટરસિકો માટે ગૂડન્યુઝ મળી રહ્યા છે. તેઓ ટી-૨૦ વર્લ્ડકપ દરમિયાન ભારતના મેચોનો આનંદ હવે સિનેમાહૉલમાં બેસીને ઉઠાવી શકશે. ટીમ ઈન્ડિયાની મેચ આઈનોક્સના મલ્ટીપ્લેક્સમાં બતાવવામાં આવશે. આ માટે આઈનોક્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ (આઈસીસી) સાથે કરાર કર્યો છે.કરાર પ્રકાણે આઈનોક્સના મલ્ટીપ્લેક્સમાં ભારતીય ટીમના તમામ ગ્રુપ મેચોનું પ્રસારણ કરવામાં આવશે. ટીમ ઈન્ડિયા પોતાના અભિયાનની શરૂઆત ૨૩ ઑક્ટોબરે કટ્ટર હરિફ પાકિસ્તાન વિરુદ્ધ કરશે. ગ્રુપ મેચો ઉપરાંત આઈનોક્સમાં સેમિફાઈનલ અને ફાઈનલ મેચ પણ બતાવવામાં આવશે. કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું કે દેશભરના ૨૫થી વધુ શહેરોમાં આઈનોક્સના મલ્ટીપ્લેક્સમાં ટીમ ઈન્ડિયાના તમામ મેચોનું પ્રસારણ કરવામાં આવશે.

આઈસીસી ટી-૨૦ વર્લ્ડકપની આઠમી સીઝન ૧૬ ઑક્ટોબરથી શરૂ થશે. પહેલાં રાઉન્ડ બાદ સુપર-૧૨ના મુકાબલા ૨૨ ઑક્ટોબરથી શરૂ થશે. ફાઈનલ મુકાબલો ૧૩ નવેમ્બરે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર રમાશે. આઈનોક્સ લીઝરના ચીફ ઑપરેટિંગ ઑફિસર આનંદ વિશાલે કહ્યું કે સિનેમાઘરોમાં ક્રિકેટની સ્ક્રીનિંગ કરીને અમે દેશની સૌથી પસંદગીની રમત એવી ક્રિકેટ સાથે વિશાળ સ્ક્રીન અનુભવ અને અવાજના રોમાંચને એક સાથે લાવી રહ્યા છીએ. ટી-૨૦ વર્લ્ડકપનો ઉત્સાહ અને તેની ભાવના લોકો સાથે જોડાઈ જશે. ઉલ્લેખનીય છે કે, આઈનોક્સના દેશમાં ૧૬૫ મલ્ટીપલેક્સ છે. તે ૭૪ શહેરોમાં ૭૦૫ સ્ક્રીન ઉપર ફિલ્મોને બતાવે છે. આખા ભારતમાં તેની બેઠકોની સંખ્યા ૧.૫૭ લાખ છે. આ વર્ષે માર્ચમાં આઈનોક્સ લીજર અને પીવીઆરે વિલયની જાહેરાત કરી હતી.

Share This Article