તમિલનાડુમાં ચેન્નઇ સ્થિત રાજભવનમાં રાજ્યપાલે એક પ્રેસ કોન્ફરંસ રાખી હતી. જેમાં આવેલી એક આશરે ૩૫ વર્ષની મહિલા પત્રકારને ૭૮ વર્ષીય રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે ગાલે ટપલી મારી સ્પર્શ કર્યો હતો. આ ઘટનાની તસવીર પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે.
જોકે સમગ્ર મામલે ભારે વિવાદ થતા બાદમાં રાજ્યપાલે સ્પષ્ટતા કરી હતી કે આ મહિલા પત્રકારે મને જે સવાલ પૂછ્યા હતા તેને બિરદાવવા માટે મે આમ કર્યું હતું, આ પત્રકાર મારી પૌત્રી સમાન છે. તેમ છતા જો તેને ગાલ સ્પર્શવાથી દુ:ખ થયું હોય તો હું તેમની માફી માગુ છું. સમગ્ર મામલે વિવાદ ત્યારે બહાર આવ્યો હતો જ્યારે આ મહિલા પત્રકારે ટ્વિટર પર એક પોસ્ટ લખીને જે થયું તેને વખોડયું હતું. તેણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે મારા ચેહરાને અનેક વખત મે ધોયો હતો છતા હું તેમાંથી બહાર નથી આવી રહી. મિસ્ટર ગવર્નર પર બહુ જ ગુસ્સો છે.
આ ઘટનાને લઈને માત્ર તામીલનાડુ જ નહીં દેશભરમાંથી આશરે ૨૦૦ પત્રકારોએ આ રાજ્યપાલની માફીની માંગણી કરી હતી અને વ્યવહારને અશોભનીય ગણાવ્યો હતો. પત્રકારોએ ઇમેલ દ્વારા રાજ્યપાસ સમક્ષ માફીની માગણી કરી હતી. લક્ષ્મીસુબ્રમણીયન નામની આ મહિલા પત્રકારને એક પત્ર લખીને રાજ્યપાલે કહ્યું હતું કે ‘હું તમારી માફી માગુ છું, પણ મારો ઇરાદો કોઇ બીજો નહોતો. તમે મને જે સવાલ પૂછ્યા હતા તેનાથી હું ખુશ હતો તેથી તેને બિરદાવવા માટે મે તમારા ગાલને સ્પર્શ કર્યો હતો.’
રાજ્યપાલના જવાબ બાદ મહિલા પત્રકારે ફરી ટ્વિટ કર્યું હતું અને જણાવ્યું હતું કે ‘રાજ્યપાલ તમારો પત્ર મને મળ્યો, તમે મારી માફી માગી તેને હું આવકારુ છું પણ તમે મારા ગાલને સ્પર્શ કરવાનું જે કારણ આપી રહ્યા છો તેને માનવા માટે હું તૈયાર નથી.’ તામિલનાડુમાં આ મામલાએ રાજકીય રંગ પણ પકડયો હતો અને અહીંના વિપક્ષ ડીએમકેએ ઘટનાને વખોડી કાઢી હતી. સાથે રાજ્યપાલ પદેથી પુરોહિતને હટાવવાની પણ માગણી કરી હતી.