સુરેન્દ્રનગરમાં અકસ્માતમાં 45 ઘેટાબકરાના મોત થયા છે. સાયલા પાળિયાદ હાઇવે પર અકસ્માત સર્જાયો છે. ડમ્પર ચાલકે 45 ઘેટાબકરા હડફેટે લઈને મોતને ઘાટ ઉતાર્યા હતા. ડમ્પર ચાલકે પશુપાલકને પણ હડફેડે લીધો હતો અને તે ગંભીર ઇજા પામ્યો છે.
આ ઘટનાના પગલે સાયલા પોલીસ, મામલતદાર અને ટીડીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતના કારણે સાયલા-પાળીયાદ હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. અકસ્માત ડમ્પર ચાલકની ધરપકડ કરી તેને પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. સુરેન્દ્રનગરમાં સાળિયા-પાળિયાદ હાઇવે આમ પણ અકસ્માતો માટે જાણીતો છે. આ અગાઉ સુરેન્દ્રનગરના સાયલા-ચોટીલા નેશનલ હાઇવે પરના અકસ્માતમાં બેના મોત થયા છે. આ અકસ્માતમાં નેશનલ હાઇવે પર કાર પલ્ટી ખાઈ જતા બેના મોત થયા હતા અને સાતને ઇજા થઈ હતી. કારમાં બેઠેલા લોકો ભજનના કાર્યક્રમમાં જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત રોડ પર પડેલા મૃત પશુના કારણે સર્જાયો હતો. આ અકસ્માતમાં લીંબડીના બે આશાસ્પદ યુવાનોએ જીવ ગુમાવ્યા છે.
આ પહેલા પણ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા સર્કલ પાસેના બ્રિજ પરના અકસ્માતની ઘટનામાં બેના મોત નીપજ્યા હતા. તેમા ઉભેલા ટ્રકની પાછળ બીજી ટ્રક ઘૂસી જતા આ અકસ્માત થયો હતો, જે અકસ્માતમાં કાકા ભત્રીજાનું મોત થયું હતું. ટ્રક વીજાપુરથી રાજકોટ જતી હતી ત્યારે સાયલા પાસે અકસ્માત થયો હતો.
આ ઉપરાંત સુરેન્દ્રનગરના ચોટીલા-રાજકોટ હાઇવે પર ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સને પણ અકસ્માત નડ્યો હતો. ચોટીલા-રાજકોટ હાઇવે પર ટ્રક અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત થતાં ત્રણના મોત થયા હતા. મૃતકોમાં એમ્બ્યુલન્સના ચાલકનો પણ સમાવેશ થતો હતો. ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સ દર્દીઓને લઈ રાત્રિના આપા ગીગાના ઓટલા નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે એમ્બ્યુલન્સ ટ્રક સાથે ટકરી હતી. આ અકસ્માતમાં એમ્બ્યુલન્સના ચાલક વિજય બાવળિયા તથા તેમા સવાર 18 વર્ષના પાયલ મકવાણા અને ૪૫ વર્ષીય ગીતાબેન મિયાત્રાનું મોત થયું હતું. એમ્બ્યુલન્સ ચોટીલાથી દર્દીઓને લઈ રાજકોટ તરફ લઈ જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી.