ઘાટલોડિયા બ્રિજના કેટલાક ભાગમાં મુકેલા ટેકાને લીધે લોકોને લાગી રહ્યો છે બ્રિજ પડવાનો ડર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદનો વધુ એક બ્રિજ જોખમી બન્યો છે, ચાંદલોડિયા ઓવર બ્રિજની નીચે ટેકા મૂકવામાં આવ્યા છે. ૨૫ વર્ષ પહેલા ૮ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ઓવર બ્રિજની નીચે ટેકા મૂકવામાં આવતા તેની નીચેથી દરરોજ મોટી સંખ્યામાં રાહદારીઓ પસાર થતા હોય છે, આ બ્રિજની નીચે જે રીતે ટેકા મૂકવામાં આવ્યા છે તે જોઈને લોકોને ડર લાગી રહ્યો છે. બીજી તરફ આ બ્રિજનો ઉપયોગ કરનારા સ્થાનિકોને જીવનું જોખમ હોવાની ચિંતા થઈ રહી છે. મહત્વનું છે કે આ પહેલા ખોખરા બ્રિજની ખખડેલી હાલતના કારણે ઘણાં સવાલો ઉઠ્‌યા હતા. ઘાટલોડિયા બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું પછી પણ તેની નીચે જે ટેકા મૂકવામાં આવ્યા છે તે જોઈને લોકોના જીવ અધધર થઈ રહ્યા છે.

બ્રિજનું ૨૦૧૬માં સમારકામ કરવામાં આવ્યું હતું છતાં આવી સ્થિતિ સર્જાઈ છે. રિપેરિંગ પછી પણ આવી સ્થિતિ જોઈને લોકોને અનેક સવાલો થઈ રહ્યા છે. આ અંગે સ્થાનિકોએ ચિંતા વ્યક્ત કરી છે કે, અમે બ્રિજની પાસે નજીકમાં અમે કાયમ બેસીએ છીએ ત્યારે આ સ્થિતિ જોઈને બહુ ડર લાગે છે, બ્રિજ આખો ધ્રૂજે છે. વાહન નીકળે તો ધરતીકંપ આવ્યો હોય એવું લાગે છે.

એક સ્થાનિકે જણાવ્યું કે અહીં ૭ વર્ષથી ટેકા લગાવેલા છે, બ્રિજની ઉપર અને નીચે બન્ને તરફ ટ્રાફિક થાય છે. બ્રિજની સ્થિતિ જોઈને લોકોને ડર લાગી રહ્યો છે. બ્રિજ પર ઘણી જગ્યાએ પર તિરાડો પડેલી જોવા મળી રહી છે. ઔડાના સમયમાં બનેલા બ્રિજમાં રેલવેના પોર્શન પાસે ટેકા મૂકવામાં આવ્યા છે. હવે આ બ્રિજનું સમારકામ ક્યારે કરવામાં આવશે તેને લઈને લોકોને સવાલો થઈ રહ્યા છે. વર્ષ ૨૦૧૬માં ટેકા મૂકેલા ઘાટલોડિયા બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું હતું. હાલ બ્રિજની નીચે લોખંડના ટેકા મૂકવામાં આવ્યા છે. આ બ્રિજનું બાંધકામ વર્ષ ૧૯૯૮માં ઔડા દ્વારા કરવામાં આવ્યું હતું. જેના પાછળ ૮ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ બ્રિજ પર ટેકા મૂકવામાં આવ્યા છે અને તે સિવાય બ્રિજની ઉપર મોટી-મોટી તિરાડ દેખાઈ રહી છે જેના કારણે પણ લોકોને ડર લાગી રહ્યો છે. શું બ્રિજનું કોઈ સમારકામ કરવામાં આવશે કે પછી આ રીતે જ ટેકા પર ઉભો રાખવામાં આવશે તેવી ચિંતા પણ સ્થાનિકોને તથા તેનો ઉપયોગ કરનારા લોકોને થઈ રહી છે.

Share This Article