અમદાવાદમાં બંધ ફ્લેટમાંથી મળ્યો ખજાનો, સોનાનો વજન કરવા વજન કાંટો અને નોટની ગણતરી માટે મશીન મંગાવવા પડ્યાં

Rudra
By Rudra 2 Min Read

અમદાવાદ : અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ, ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં એજન્સીઓએ 100 કિલો સોનું અને જંગી રોકડ જપ્ત કર્યાના અહેવાલ છે. આ અંગે એજન્સીઓ અને પોલીસને બાતમી મળતા દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

પાલડી વિસ્તારમાં એક શેરબજાર ઓપરેટરના આવિષ્કાર એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 104માં બપોરે અઢી વાગ્યે 25 જેટલા અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. આ ફ્લેટ મહેન્દ્ર શાહ અને મેઘ શાહ નામની વ્યક્તિઓએ ભાડે લીધો હતો. તેઓ પિતા-પુત્રનો સંબંધ ધરાવે છે. આ તપાસમાં હજુ પણ વધારે મુદ્દામાલ ઝડપાય તેવી શક્યતા છે. દરોડાની કાર્યવાહી દરમિયાન ચલણી નોટો ગણવા બે મશીન અને સોનાનું વજન કરવા ઈલેક્ટ્રિક વજન કાંટા પણ મંગાવવામાં આવ્યા છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે, શેરબજાર ઓપરેટર મેઘ શાહ અને તેના સાગરિતો ખોખા કંપનીઓના શેરના ભાવમાં ઉછાળો લાવીને કરોડો રૂપિયા ઘર ભેગા કરતા હતા. આ લોકોએ કાળું નાણું સોનામાં ફેરવ્યું હોવાની માહિતી મળી હતી.

એજન્સીઓને માહિતી મળી હતી કે, આ ફ્લેટમાં અંદાજિત 100થી વધુનું સોનું છુપાવ્યું છે. ત્યારબાદ અહીં DRI અને ATS સંયુક્ત દરોડા પાડ્યા હતા. આ દરમિયાન અંદાજિત 100 કિલો સોનું, અન્ય ઘરેણાં અને અંદાજિત રૂ. 70 લાખથી વધુ રોકડ મળી આવી છે. એજન્સીઓ દ્વારા નોટો ગણવાનું મશીન અને વજન કાંટો મંગાવવામાં આવ્યો છે. આ મામલે સૂત્રોના જણાવ્યાનુસાર, આ ઘટનામાં હવાલા વ્યવહારો પણ બહાર આવે તેવી શક્યતા છે. આ દિશામાં હાલ તપાસ ચાલી રહી છે.

Share This Article