અમદાવાદઃ ડ્રીમ ફાઉન્ડેશનના પ્રોજેક્ટ શક્તિ અંતર્ગત આજે એમ.એમ. કન્યા શાળા, સિંગરવા-ઓઢવ વિસ્તારમાં અભ્યાસ કરતી 235 કિશોરી છોકરીઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ કિશોરીઓમાં માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતાની જાગૃતિ લાવવાનો અને તેમને આરોગ્યપ્રદ જીવનશૈલી તરફ પ્રેરિત કરવાનો છે.
પ્રોજેક્ટ સ્ત્રીના ઇન્ચાર્જ મેઘનાબેન ઝાલા દ્વારા વિદ્યાર્થીઓને માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા જાળવવાની મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી. તેમણે છોકરીઓને શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સમજૂતી અને આત્મવિશ્વાસ વધારવા માટે પ્રેરણા આપી.
શાળાના આચાર્ય ભાવનાબેને ડ્રીમ ફાઉન્ડેશનના આ પ્રયાસની ખૂબ પ્રશંસા કરી અને જણાવ્યું હતુ કે, ડ્રીમ ફાઉન્ડેશન સતત મહિલાઓના સશક્તિકરણ માટે કાર્યરત છે. પ્રોજેક્ટ શક્તિ અને પ્રોજેક્ટ સ્ત્રી જેવા અભિયાનો દ્વારા તેઓ સમાજમાં આરોગ્ય, સ્વચ્છતા અને શિક્ષણ અંગે જાગૃતિ ફેલાવી રહ્યા છે.