ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ અને આરોગ્ય શાખા, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે “રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ” અંતર્ગત જનજાગૃતિ અભિયાન હેઠળ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય શાખાના મેડિકલ ઓફિસર ડો. કલ્પેશ ગોસ્વામીના માર્ગદર્શન સાથે ગાંધીનગરની વિવિધ શાળાઓમાં ચિત્ર અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું.ઉદગમના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. મયુર જોષીએ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ વિશે માહિતી આપતા તમાકું વિશેના ગેરફાયદા અને તેના કારણે થતી આરોગ્ય, આર્થિક અને પારિવારિક તકલીફો વિશે હૃદયસ્પર્શી વાત કરીને તમાકુના કારણે કેન્સર નો રોગ કેવી રીતે થાય છે અને તેની પરિવાર પર અસરો વિશે જણાવતાં લોકોને સ્વસ્થ રેહવા પર ભાર મુકતા કહ્યું કે તેઓ તેમના માતા પિતા તેમના જીવનના ચાલક બળ હોવાથી જીવનની જવાબદારી નિભાવવા વ્યસનમુક્ત રહેવા માટે અપીલ કરી હતી
શાળાના બાળકોએ સમાજને પ્રેરણા આપવા સારું પોતાની આવડત મુજબ કલાત્મક રીતે ખુબ સુંદર ચિત્રો દોરીને તમાકુના વ્યસનને દૂર કરવા સંદેશ આપ્યો હતો અને તમાકુના વ્યસન અંગે વિવિધ નિબંધ લખ્યા હતા. આ સ્પર્ધામાં વ્યસનની શારીરિક અસરો, માનસિક અસરો, સ્ટોપ સ્મોકિંગ જેવા કલ્પનાશીલ અને માર્મિક ચિત્રોને વિદ્યાર્થીઓએ તૈયાર કર્યા હતા. જેમાંથી શ્રેષ્ઠ ચિત્રનું સર્જન કરનારને વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમે પુરસ્કાર આપવામાં આવ્યો હતો.સાથોસાથ વિધાર્થીઓએ વ્યસનમુક્તિ અને જાગૃતિ માટેના શપથ લીધા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટીમ ઉદગમના ડો. મયુર જોષી સાથે વાગ્મી જોષી, કિરાત જોષી, અધિશ્રી શ્રીવાસ્તવ અને શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
ટેગ લાઈન ફોર ફોટો સ્ટોરી: ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ અને આરોગ્ય શાખા, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વિવિધ શાળાઓમાં ચિત્ર અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.