દિલ્હીમાં આંતકવાદી ઘુસ્યા હોવાની શંકા : એલર્ટ જાહેર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : પાટનગર દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરડે આડે વધારે દિવસ રહ્યા નથી ત્યારે ગુપ્તચર સંસ્થાઓ દ્વારા ચોંકાવારી માહિતી આપવામાં આવી છે. ઇન્ટેલિજન્સ સંસ્થાઓ દ્વારા કહેવામાં આવ્યુ છે કે દિલ્હી અને આસપાસના વિસ્તારમાં ત્રાસવાદીઓ ઘુસી ગયા છે. ખતરનાક ઇરાદા સાથે ઘુસી ગયેલા ત્રાસવાદીઓ હુમલાને અંજામ આપી શકે છે. આ તમામ ત્રાસવાદીઓની સંખ્યા પાંચથી છ હોઇ શકે છે. એવી ગુપ્ત માહિતી પણ મળી છે કે આમાંથી કેટલાક ત્રાસવાદીઓ તો બે મહિના પહેલા ઘુસી ગયા હતા. જા કે ઘુસેલા ત્રાસવાદીઓ દિલ્હીમાં ક્યાં છુપાયેલા છે તે અંગે માહિતી મળી રહી નથી.

પોલીસને એવી માહિતી મળી છે કે ઘુસેલા ત્રાસવાદીઓ લશ્કરે તોયબા અને હિઝબુલ મુજાહીદ્દીનના હોઇ શકે છે. શંકા છે કે ત્રાસવાદીઓ પૈકી કેટલાકની પાસે વિસ્ફોટક હોઇ શકે છે. ભય એવો પણ સતાવી રહ્યો છે કે આમાંથી કેટલાક ત્રાસવાદીઓ આત્મઘાતી હોઇ શકે છે. આવી સ્થિતીમાં દિલ્હીના તમામ ભરચક વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબુત બનાવી દેવામાં આવી છે. ખાસ કરીને રેલવે સ્ટેશન, મેટ્રો સ્ટેશન, ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાની મથક અને અન્ય મોટા મોલની આસપાસ સુરક્ષા વ્યવસ્થા મજબુત કરી દેવામાં આવી છે.

દિલ્હીના મોટા શોપિગ મોસ, મલ્ટીપ્લેક્સ અને મોટા મંદિરની આસપાસ પણ સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવામાં આવી છે. દિલ્હી પોલીસ તરફથી તમામ ૧૫ જિલ્લાના ડીસીપી અને અન્ય અધિકારીઓના નિર્દેશ પર સુરક્ષા પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. રાત્રી ગાળા દરમિયાન પણ ખાસ ચકાસણી પ્રક્રિયા ચાલી રહી છે. ૨૬મી જાન્યુઆરીના દિવસે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાશે.

Share This Article