તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને ભાષા મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. મુખ્યમંત્રીએ ભાજપની સરકારને ચેતવણી આપી કે, હિન્દી ભાષા થોપીને વધુ એક ભાષા યુદ્ધની શરૂઆત નથી ઈચ્છતા અને તેની શરૂઆત કરવામાં ન આવે. સ્ટાલિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અપીલ કરી કે, હિન્દીને અનિવાર્ય બનાવવાના પ્રયાસ છોડી દેવામાં આવે અને દેશની અખંડિતાને કાયમ રાખવામાં આવે. તેઓ રાજભાષા પર સંસદીય સમિતિના અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને હાલમાં જ સોંપવામાં આવેલી એક રિપોર્ટ પર પ્રતિક્રિયા આપી હતી.
સ્ટાલિને કહ્યું કે, જો રિપોર્ટ લાગુ કરવામાં આવે તે તો દેશની મોટી બિન-હિન્દીભાષી વસ્તી પોતાના જ દેશમાં બીજા દરજ્જા પર જતી રહેશે. તેમણે તમિલનાડુમાં થયેલા આંદોલનોનો સંભવત ઉલ્લેખ કરતા કહ્યું કે, હિન્દીને થોપવું ભારતની અખંડિતતાની વિરુદ્ધ છે. ભાજપા સરકાર ભૂતકાળમાં થયેલા હિન્દી વિરોધી આંદોલનોમાંથી શીખ લે. સ્ટાલિને ટ્વીટ કરી કે, હિન્દીને થોપવા માટે ભારતની વિવિધતાને નકારવા માટે કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા તેજ ગતિથી પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. રાજભાષા પર સંસદીય સમિતિની રિપોર્ટના ૧૧ માં અંકમાં કરવામાં આવેલ પ્રસ્તાવ ભારતની આત્મા પર સીધો હુમલો છે. તેમણે એક નિવેદનમાં કહ્યું કે, એક રાષ્ટ્ર, એક ભાષા, એક ધર્મ, એક ખાણીપીણી, અને એક સંસ્કૃતિ લાગુ કરવાનો કેન્દ્રનો પ્રયાસ ભારતની એકતા પર પ્રભાવિત કરશે. તેમણે કહ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતાવાળી રાજભાષા સંબંધી સંસદીય સમિતિની રાષ્ટ્રપતિને સોંપવામાં આવેલી રિપોર્ટમાં આવી ભલામણ કરવામાં આવી છે, જે ભારતીય સંઘની અખંડતાને ખતરામાં નાંખવાની છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સમિતિએ પોતાની રિપોર્ટમાં આઈઆઈટી, આઈઆઈએમ, એઈમ્સ, કેન્દ્રીય યુનિવર્સિટી અને કેન્દ્રીય વિદ્યાલયોમાં અંગ્રેજીની જગ્યાએ હિન્દીને માધ્યમ બનાવવાની ભલામણ કરવામા આવી છે. સ્ટાલિને કહ્યું કે, સંવિધાનની આઠમી અનુસૂચિામં તમિલ સહિત ૨૨ ભાષાઓ છે. જેમનો સમાન અધિકાર છે. તેમણે આગળ કહ્યું કે, પરંતુ સમિતિએ હિન્દીને સમગ્ર ભારતમાં સમાન ભાષા બનાવવાની ભલામણ કરી છે.
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, આવી સ્થિતિમાં કેન્દ્રીય મંત્રી સમિતિ દ્વારા હિન્દી ભાષાને ભારતની સમાન બનાવવાની ભલામણ કરવાની જરૂર જ ક્યાં છે. ભારતનું ચરિત્ર વિવિધતામાં એકતાનું છે અને તેથી જ તમામ ભાષાઓને સમાન દરજ્જો મળવો જોઈએ. કેન્દ્રએ તમામ ભાષાઓને રાજભાષા બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ. તેમણે કહ્યું કે, હું ચેતવણી આપું છું કે આવુ કોઈ પગલુ ભરવામાં ન આવે, જે ઉપરોક્ત સિદ્ધાંતની વિરુદ્ધ હોય. હિન્દી થોપીને વધુ એક ભાષાનું યુદ્ધ શરૂ કરવામાં ન આવે.