મુંબઈ : આશરે પાંચ મહિનાથી સેનેગલની જેલમાં રહેલા ડોન રવિ પુજારીને પણ ભારત લાવવાના પ્રયાસો તીવ્ર બનાવી દેવામાં આવ્યા છે પરંતુ સંભાવના આ બાબતની છે કે, જ્યારે પણ તેને ભારત લાવવામાં આવશે ત્યારે શરતો પૈકી એક શરત એ રહેશે કે તેને પણ અબુ સાલેમની જેમ જ ફાંસીની સજા કરી શકાશે નહીં. આશરે દોઢ દશક પહેલા જ્યારે અબુ સાલેમને પોર્ટુગલમાંથી પ્રત્યાર્પણ કરીને ભારત લાવવામાં આવ્યો ત્યારે ત્યાંની સરકારને ફાંસી ન આપવાની શરત ઉપર ભારત લાવવામાં આવ્યો હતો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના કહેવા મુજબ પોર્ટુગલની જેમ જ સેનેગલના કાયદામાં પણ કોઇપણ આરોપીને ફાંસીની સજાની જાગવાઈ રહી નથી. રવિ પુજારીની સામે મુંબઈમાં કુલ ૭૮ કેસ દાખલ કરવામાં આવી ચુક્યા છે.
આમાંથી ૪૯ કેસોમાં તેના સીધા કનેક્શન રહેલા છે. બીજી બાજુ બે સપ્તાહમાં તેના ૨૧ કેસોમાં અંગ્રેજી અનુવાદ કરીને ભારત મોકલામાં આવ્યા છે. ૨૧ કેસમાં મોટાભાગની તપાસ ઇન્વેસ્ટીગેશન મુંબઈ ક્રાઈમ બ્રાંચ દ્વારા કરવામાં આવી છે. આમાથી એક કેસ એ પણ છે જેમાં ચારથી પાંચ વર્ષ પહેલા વિલેપાર્લેમાં ગજાલી હોટલમાં ફાયરિંગનો કિસ્સો છે. ફિલ્મ ફાઈનાન્સર અલી મોરાનીના બંગલા પર કરવામાં આવેલા ગોળીબારનો કેસ પણ સેનેગલ મોકલવામાં આવ્યો છે.
આ કેસમાં ગયા મહિને રવિ પુજારીની સાથે રહેલા ઓબેદ રેડિયોવાલાને ભારત લાવવામાં આવ્યો હતો. મોરાની કેસ ઉપરાંત મહેશ ભટ્ટની હત્યા કરવાના કાવતરામાં મુંબઈ ક્રાઈમ બ્રાંચે રેડિયોવાલાને કસ્ટડીમાં લઇ લીધો છે. ક્રાઈમ બ્રાંચના એક અધિકારીના કહેવા મુજબ મહેશ ભટ્ટ સાથે જાડાયેલા બે કેસ રહેલા છે. જેમાં એક કેસ દશકો કરતા પણ જુનો છે. આ કેસમાં પણ અંગ્રેજી અનુવાદની વિગતો તૈયાર કરવામાં આવી છે.