ભારતની ખાદ્ય સેવા કંપનીમાંથી એક જ્યુબિલન્ટ ફૂડવર્કસ લિમિટેડે બંગલાદેશમાં ડોમિનોઝ પિઝા લોન્ચ કરવા માટે ગોલ્ડન હાર્વેસ્ટ ક્યુએસઆર લિમિટેડ સાથે સંયુક્ત સાહસ ખેડ્યાની જાહેરાત કરી હતી. આ સંયુક્ત સાહસમાં રોકાણ પછી જ્યુબિલન્ટ ફૂડવર્કસ કુલ 51 ટકા શેરહોલ્ડિંગ સાથે જ્યુબિલન્ટ ગોલ્ડન હાર્વેસ્ટ લિમિટેડ નામે સંયુક્ત સાહસ કંપનીમાં મુખ્ય શેરઘારક હશે, જ્યારે ગોલ્ડન હાર્વેસ્ટ ગ્રુપનો હિસ્સો ગોલ્ડન હાર્વેસ્ટ ક્યુએસઆર લિમિટેડનો સંયુક્ત સાહસમાં 49 ટકા હિસ્સો રહેશે.
આ જાહેરાત પર બોલતાં જ્યુબિલન્ટ ફૂડવર્કસ લિમિટેડના અધ્યક્ષ શ્યામ એસ ભારતિયા અને સહ- અધ્યક્ષ હરિ એસ ભારતિયાએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય વિસ્તરણના અમારા પ્રયાસોમાં આ નોંધનીય પગલું છે. સૌથી ઝડપથી વૃદ્ધિ પામતા દેશમાંથી એક તરીકે બંગલાદેશમાં ડોમિનોઝ માટે ભરપૂર સંભાવના છે. અમને બંગલાદેશમાં ડોમિનોઝ પિઝા રજૂ કરવા માટે ગોલ્ડન હાર્વેસ્ટ ગ્રુપ સાથે ભાગીદારી કરવાની બેહદ ખુશી છે. ગોલ્ડન હાર્વેસ્ટમાં અમને ખાદ્ય, દુગ્ધ, લોજિસ્ટિક્સ, કોમોડિટીઝ અને અન્ય ક્ષેત્રોમાં વેપારોના વૈવિધ્યપૂર્ણ સંચ સાથે ભરોસાપાત્ર અને સક્ષમ ભાગીદાર મળ્યો છે અને અમે તેમની સાથે ભાગીદારીમાં અમારા વેપારનું નિર્માણ કરવા માટે ભારે ઉત્સુક છીએ.
જ્યુબિલન્ટ ફૂડવર્કસ લિમિટેડના સીઈઓ અને સંપૂર્ણ સમયના ડાયરેક્ટર પ્રતીક પોતાએ આ પ્રગતિ વિશે બોલતાં જણાવ્યું હતું કે બંગલાદેશની બજારમાં પ્રવેશ કરવાનો અમને ભારે રોમાંચ છે. દુનિયામાં સૌથી વધુ વસતિ ઘનતા અને યુવા જનસંખ્યા સાથે આઠ સૌથી વધુ વસતિવાળા દેશ તરીકે બંગલાદેશની બજારમાં ડોમિનોઝ માટે ઉત્તમ વૃદ્ધિની તકો છે. અમને વિશ્વાસ છે કે જ્યુબિલન્ટ ફૂડવર્કસની મજબૂત કામગીરી નિપુણતા અને ગોલ્ડન હાર્વેસ્ટની બંગલાદેશની બજાર વિશે ઊંડી સમજદારી સાથે અમે દેશની ખાદ્ય સેવાઓની બજારમાં મજબૂત સ્થાન નિર્માણ કરીશું.
ગોલ્ડન હાર્વેસ્ટ ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર રજીબ સામદાનીએ જણાવ્યું હતું કે વિશ્વવિખ્યાત અને પ્રતીકાત્મક ડોમિનોઝ પિઝા બ્રાન્ડ બંગલાદેશમાં લાવવા માટે જ્યુબિલન્ટ ફૂડવર્કસ સાથે જોડાણ બાબતે અમે ભારે રોમાંચિત છીએ. પિઝા દેશમાં વૃદ્ધિ પામતું ખાદ્ય ક્ષેત્ર છે, કારણ કે ગ્રાહકો ખાસ કરીને વૈશ્વિક ક્યુઝીન્સમાં ખાદ્યોમાં વધુ પ્રયોગો કરવા માગે છે. આ ભાગીદારીમાં ભરપૂર સંભાવના છે અને જ્યુબિલન્ટ ફૂડવર્કસના ટેકા સાથે અમે બંગલાદેશમાં અમારા ગ્રાહકોને ઉત્તમ પિઝા અનુભવ પ્રદાન કરીશું એવો અમને વિશ્વાસ છે.
જ્યુબિલન્ટ ફૂડવર્કસ લિમિટેડ ભારતમાં ડોમિનોઝ પિઝા અને ડંકિન ડોનટ્સ બ્રાન્ડ્સની માસ્ટર ફ્રેન્ચાઈઝ ધારક છે, જે શ્રીલંકા, બંગલાદેશ અને નેપાળમાં પણ ડોમિનોઝ પિઝા બ્રાન્ડ વિકસાવવા અને ચલાવવા માટે ખાસ અધિકારો ધરાવે છે.